ધોળીધજા ડેમમાં પાણીનો રંગ લીલો થઈ જતાં રોગચાળો ફેલાવાનો ભય

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
ધોળીધજા ડેમમાં પાણીનો રંગ લીલો થઈ જતાં રોગચાળો ફેલાવાનો ભય 1 - image


- પાલિકા દ્વારા નર્મદા તંત્રને રજૂઆત 

- નર્મદા કેનાલમાંથી જ ખરાબ પાણી આવતું હોવાનો તંત્રનો દાવો: વઢવાણ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી પાણી શુદ્ધ કરી શકાતું નથી  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણની અંદાજે બે લાખથી વધુ જનતાને પાણી પુરૂ પાડતા ધોળીધજા ડેમના પાણીનો કલર જ અચાનક બદલાઇ ગયો છે. ધોળીધજા ડેમમાં રહેલા લાખો લીટર પાણી અચાનક લીલા કલરનું બની ગયું છે અને ડેમમાં પાણી પર લીલા કલરનો થર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવું પાણી પાલિકા દ્વારા શહેરમાં વિતરણ કરવામાં આવે છે, જેને લઇને અનેક વિસ્તારમાં ડહોળુ તેમજ ગંદુ પાણી આવતુ હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે પાલિકા દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.

સુરેન્દ્રનગર અને વઢવાણના અનેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે ગંદુ અને ડહોળુ તેમજ વાસવાળુ આવતુ હોવાની ફરીયાદો ઉઠી છે. ત્યારે આ પાણી ખરાબ આવવા પાછળ મુખ્ય કારણ ડેમનું જ પાણી ખરાબ હોવાની વિગતો બહાર આવી છે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી હાલ એકાંતરે શહેરની બે લાખની જનતાને પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ડેમમાં રહેલું લાખો લીટર પાણીનો કલર જ અચાનક બદલાઇ ગયો છે.

 સમગ્ર ડેમનું પાણી લીલા કલરનું થઇ જતાં અચરજ ફેલાયું છે. ડેમમાં રહેલા લાખો લીટર પાણીનો કલર જ બદલાઇ જતાં લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ડેમમાં રહેલા પાણીમાં ગંદકી સાથે પાણી પર લીલના થર પણ જામી ગયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે આવુ ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા શહેરીજનોમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરના અનેક વિસ્તારમાં ડહોળા પાણીના કારણે રોગચાળાએ માઝામુકી હોય તેમ ઝાડા ઉલ્ટી સહીતના કેસો જોવા મળી રહ્યાં છે.

 ત્યારે આ અંગે પાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું હતું કે, નર્મદા કેનાલના પાણીથી ડેમ ભરવામાં આવે છે અને કેનાલનું પાણી જ ખરાબ આવતુ હોવાની ફરીયાદ છે. જેના કારણે ડેમનું પાણીનો કલર બદલાઇ ગયો છે. સુરેન્દ્રનગર પાલિકા દ્વારા હાલ શહેરમાં પાણી ફટકડી તેમજ ક્લોરીન નાંખી શુધ્ધ કરી આપવામાં આવે છે પરંતુ પાણી ખુબ વધુ માત્રામાં ડહોળુ આવે છે. જેના કારણે એકદમ શુધ્ધ થઇ શકે તેમ નથી. તેમજ વઢવાણમાં ફીલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી પાણી શુધ્ધ કરી શકાય તેમ નથી. નર્મદા કેનાલમાંથી જે ડહોળુ પાણી આવે છે, તે અંગે પાલિકા દ્વારા નર્મદા વિભાગને લેખીત રજૂઆત પણ કરવામાં આવી છે.


Google NewsGoogle News