ઝીંઝુવાડા પોલીસ પર હુમલાના બનાવમાં ૭૬ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો
- ચાર શખ્સોને ઝડપી પાડયા
- તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી આરોપીને પોલીસ કબજામાંથી છોડાવી ગયા હતા
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ પર બુટલેગરો અને તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો. જે મામલે ૨૬ વ્યક્તિ સામે નામ સાથે અને અન્ય ૪૦ થી ૫૦ અજાણ્યા શખ્સો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ઝીંઝુવાડા ખાતે રહેતા બુટલેગર જાલમસિંહ ઝાલા સામે પાટણ જિલ્લાના સમી તાલુકામાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂના ગુનામાં નામ ખુલ્યું હતું પરંતુ તેનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. જે દરમિયાન બુટલેગર ઝાલમસિંહ પોતાના મિત્રો સાથે જૈનાબાદ ગામે ક્રિકેટ રમતો હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડા પીએસઆઈ કે.વી.ડાંગર સહિત બે પોલીસ કર્મચારીઓ તેને ઝડપી પાડવા ગયા હતા અને ત્યાંથી ઝડપી કારમાં પોલીસ મથકે લઈ જઈ રહ્યાં હતાં.
જે અંગેની જાણ જાલમસિંહના મિત્રોને થતાં પોલીસ ઝીંઝુવાડા ગામે પહોંચી ત્યાં જ મુખ્ય દરવાજા પાસે અંદાજે ૪૦ થી ૫૦ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને બુટલેગર સાથે કાર આવતા જ પોલીસ ટીમ પર એકસંપ થઈ છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઘા ઝીંકતા પીએસઆઈ કે.વી.ડાંગર તથા બે પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જ્યારે આરોપીઓ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જાલમસિંહ ઝાલાને છોડાવવા માટે ટ્રેકટર તેમજ ટ્રોલીની આડસ કરી હતી. તેમજ કારની પાછળ પણ આડસ કરી પોલીસ ટીમ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી પીએસઆઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાના ઈરાદે કારને ટક્કર મારી સોનાનો ચેઈન તેમજ રોકડ રૂા.૪૦,૫૦૦ની લુંટ કરી જાલમસિંહને છોડાવી નાસી છુટયા હતા.
જે અંગે ઝીંઝુવાડા પોલીસ મથકના કર્મચારી ચેતનભાઈ કુબેરભાઈ રથવીએ ઝીંઝુવાડા પોલીસ મથકે ૨૬ વ્યક્તિઓના નામ સાથે તેમજ અન્ય ૪૦ થી ૫૦ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં જાલમસિંહ રણધીરસિંહ ઝાલા (મુખ્ય આરોપી), જયપાલસિંહ પ્રવિણસિંહ સોલંકી (મુખ્ય આરોપી), લાલભા ઉર્ફે યોગેન્દ્રસિંહ મેઘરાજસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ ઝેણુભા ઝાલા, ઝેણુભા કુબેરસિંહ ઝાલા, અજયસિંહ દિલિપસિંહ, જીતેન્દ્રસિંહ દલપસિંહ ઝાલા, પીન્ટુભા ઉર્ફે ઢુબલો દલપતસિંહ ઝાલા, ગોપાલસિંહ રામભા ઝાલા, કુલદિપસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ નિકુલસિંહ ઝાલા, જયહિંદસિંહ કનુભાઈ ઝાલા, કનુભા કશુભા ઝાલા, સિધ્ધરાજસિંહ કંથુભા ઝાલા, હરિચન્દ્રસિંહ ઉર્ફે હરૂભા ભીખુભા ઝાલા, રોબીનસિંહ રાજુભાઈ ઝાલા, જીગરસિંહ ઉર્ફે જીગો વનરાજસિંહ ઝાલા, વિજયસિંહ રાજુભા ઝાલા, ભાવુભા સજુભા ઝાલા, રાજદિપસિંહ ભાથીભા ઝાલા, લક્ષ્મણસિંહ મંગળસિંહ ઝાલા, કરણસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, નાગરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, અનોપસિંહ ઉર્ફે બકો કનુભા ઝાલા, રણધીરસિંહ કુબેરસિંહ ઝાલા અને ભાથીભા દિવાનસિંહ ઝાલા (તમામ રહે.ઝીંઝુવાડા, તા.દસાડા) વિરૂદ્ધ નામ સાથે તથા અન્ય ૪૦ થી ૫૦ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ હુમલાના બનાવના મુખ્ય આરોપી જાલમસિંહ ઝાલાના પિતા રણધિરસિંહ કુબેરસિંહ ઝાલા ઝીંઝુવાડા તાલુકા પંચાયતના ભાજપ પ્રેરીત હાલના સદ્દસ્ય હોવાનું સામે આવ્યું છે. હુમલાના બનાવ બાદ જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહિત એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ખાતે તૈનાત કરાયો છે.
ચાર આરોપીઓની અટકાયત કરાઈ
ઝીંઝુવાડા પીએસઆઈ પર જીવલેણ હુમલા બાદ પોલીસે અલગ-અલગ એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોડ, ડીએસપી સ્કવોડ સહિતની ટીમો બનાવી હતી અને હુમલાના આરોપીઓ પૈકી ૪ શખ્સો અજયસિંહ ઉર્ફે અજુભા દિલિપસિંહ ઝાલા, કરણસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, નાગુભા ઉર્ફે નાગરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને લક્ષ્મણસિંહ ઉર્ફે લાલભાઈ મંગળસિંહ ઝાલાની અટકાયત કરી બાકીના આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.