થાનમાં બાઇક-કાર વચ્ચે અકસ્માત મામલે બે પરિવાર વચ્ચે સશત્ર ધીંગાણું
- બંને પક્ષોની સામસામી ફરિયાદ
- લોખંડના પાઈપ, છરી સહિતના હથિયાર ઉછળ્યા ઃ સાત વ્યક્તિને ઇજા : આઠ શખ્સ સામે ગુનો
સુરેન્દ્રનગર : થાનમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત મામલે બે પરિવાર વચ્ચે ધીંગાણુ ખેલાયું હતું. જેમાં બંને પરિવારોના કુલ ૭ વ્યક્તિઓને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. આ મામલે બંને પરિવારોએ સામસામે આઠ શખ્સ વિરૃધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
થાન ફુલવાડી વિસ્તારમાં રહેતા રવિભાઇ મનુભાઇ બોરાણા ફુલવાડી વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે જતાં હતા. તે દરમિયાન વિશાલભાઇ ચંદુભાઇ ઉઘરેજીયા કાર લઇ ત્યાંથી પસાર થતાં કારની ટક્કર બાઇકને લાગતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈ બંનેે યુવાનો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી જેમાં વિશાલભાઇએ છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા રવિભાઇને ઇજાઓ પહોંચી હતી. આ મામલે રવિભાઇ પત્ની રેખાબેન, સસરા ધનજીભાઇ અને સાળા કલ્પેશભાઇ સહીતનાઓ વિશાલભાઇના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્યારે વિશાલભાઇ, કુશભાઇ ચંદુભાઇ ઉઘરેજીયા, વિનોદભાઇ રઘુભાઇ ઉઘરેજીયા અને ભરતભાઇ રઘુભાઇ ઉઘરેજીયાએ લાકડી વડે માર મારતા રવિભાઇ તેમજ તેમના પત્ની, સાળા અને સસરાને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. આ મામલે રવિભાઇએ ચારેય શખ્સ વિરૃધ ફરીયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે વિશાલભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે રસ્તામાં ખાડો તારવવા જતાં રવિભાઇના બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જે મામલે રવિભાઇ મનુભાઇ બોરાણા, રેખાબેન રવિભાઇ બોરાણા, કલ્પેશભાઇ ધનાભાઈ પનારા અને ધનાભાઇ કાનાભાઇ બોરાણાએ લોખંડના પાઇપ તેમજ લાકડી વડે માર મારી વિશાલભાઇ તેમજ તેમના દાદી અને કાકા વિનોદભાઇને ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે વિશાલભાઇએ ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બંને પરિવારાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.