ધ્રાંગધ્રા નગરપાલિકામાં વધુ એક વિવાદથી ચકચાર મચી
- પાલિકાના વાહનોનો ઉપયોગ છતાં મંજૂર થતાં લાખોના બિલ
- ડોર ટુ ડોરની કામગીરીના કોન્ટ્રાકટમાં કૌભાંડની આશંકા સાથે તપાસની માંગ કરાઇ
સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા નગરપાલિકામાં વિવાદો અટકાવવાનું નામ નથી લેતા. વગદાર બિલ્ડરનું કોમ્પલેક્ષ બી.યુ.પરમીશન વગર ધમધમતુ થયાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના કોન્ટ્રાકટમાં કૌભાંડની આશંકા સાથે વધુ એક વિવાદ ઉભો થતા ચકચાર ફેલાવા પામેલ છે.
આ અંગે નગરપાલીકાના વર્તુળોમાંથી જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, ધ્રાંગધ્રા શહેરના નવ વોર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાનો કોન્ટ્રાકટ અમદાવાદની કુમાર એજ્યુકેશન નામની-સંસ્થાને અપાયેલો છે. પાલિકા દ્વારા કોન્ટ્રાકટરને પોતાના વાહન વાપરવાની શરતે દર મહીને રૂા.૪.૮લાખનુ બીલ ચુકવવામાં આવે છે.
કોન્ટ્રાકટરે ડોર ટુ ડોર ના વાહનમાં પોતાના કામદારો મુકીને લઘુતમ વેતનધારા મુજબ દૈનીક રૂા.૩૮૦ ચુકવવા પણ ફરજીયાત છે. ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં બેદરકારી દાખવાય તો મિલ્કત (ઘર કે દુકાન) દીઠ રૂા.૧૮.૪૫ પૈસા બિલમાંથી કપાત કરવાની પણ કોન્ટ્રાકટમાં શરત રખાયેલા છે પરંતુ આ બધી શરતો અને નિયમો કાગળ ઉપર જ રહેતા હોય તેમ ધ્રાંગધ્રામાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે કોન્ટ્રાકટરો દ્વારા નગરપાલીકાના વાહનોના ઉપયોગ થતો જોવા મળે છે. નગરપાલીકાના વાહનોનો ઉપયોગ થવા છતાં કોન્ટ્રકટરના લાખ્ખોના બિલ પાસ થઈ જતા હોવાથી ચકચાર ફેલાવા પામેલ છે. આટલુ જ નહી કોન્ટ્રાકટર દ્વારા ડોર ટુ ડોરના વાહનમાં ડ્રાયવર ઉપરાંત લોકો પાસેથી કચરાનુ ડસ્ટબીન લઈને ખાલી કરી આપવા માટે કલીનર હોતા જ નથી તેવું શહેરીજનો જણાવે છે કોન્ટ્રાકટર દ્વારા કલીનર અને પોતાના વાહનની શરતનો ભંગ કરીને મસમોટુ કૌભાંડ આચરવામાં આવતુ હોવાનું મનાય છે.
શહેરના એક સામાજીક કાર્યકરે જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રામાં ડોર ટુ ડોર કચરો દરરોજ એકત્ર કરવા માટેનો કોન્ટ્રાકટ અપાયેલ છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ સુધી ડોર ટુ ડોર કચરો લેવા વાળુ વાહન આવતુ જ નથી મહીનામાં છ થી સાત દિવસ જ કચરો એકત્ર કરાતો હોવા છતાં ત્રિસ દિવસ કચરો એકત્ર કર્યાના બિલો મંજુર કરાવવામાં આવે છે? તે તપાસ માંગતી બાબત છે
આ સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરાય તો ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થવાની શકયતા નકારી શકાતી ન હોવાનું મનાય છે
પાલિકા શાસકો મનમાની કરતા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા નગરપાલીકામાં ૯ વોર્ડની ૩૬ બેઠકો પૈકી ૩૫ બેઠકો ભાજપ પાસે છે. વિપક્ષ નામનો જ છે સ્પષ્ટ બહુમતી હોવાથી સામાન્ય સભામાં તમામ ઠરાવો ચર્ચા કે વાંધા જ પસાર થઈ જાય છે વિપક્ષ ન હોવાથી શાસકો આપ ખુદશાહી થી વહિવટ ચલાવતા હોવાનો આક્ષેપ થાય છે. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં કોન્ટ્રાકટરના શરતભંગ સામે ધ્રાંગધ્રા ન.પા.ના શાસકો દ્વારા આંખ આડા કાન થતા હોવાની લાગણી શહેરીજનોમાં ફેલાવા પામેલ છે.
કોન્ટ્રાકટરના બિલમાં રૂા.૧૦,૦૦૦ની કપાત
ધ્રાંગધ્રા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં કૌભાંડથી આશંકા સાથે ધ્રાંગધ્રા નગરપાલીકાના નવા આવેલા ચીફ ઓફીસર મંટીલકુમાર પટેલ સાથે વાત કરતા તેમણે જણાવેલ હતુ કે, હું થોડા સમયથી જ આવ્યો છું, ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં શરતો મુજબ કામ થતુ ન હોવાનું મારા ધ્યાને આવતા પ્રથમ મહિને કોન્ટ્રાકટરના બિલમાંથી રૂા.૧૦,૦૦૦ની કપાત કરવામાં આવેલ છે તથા કોન્ટ્રાકટરને શરતો મુજબ જ કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલ છે.