સુરેન્દ્રનગરની સોસાયટીમાં પીવાના પાણી મામલે રોષે ભરાયેલા લોકોનો પાલિકા કચેરીમાં હલ્લાબોલ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરની સોસાયટીમાં પીવાના પાણી મામલે રોષે ભરાયેલા લોકોનો પાલિકા કચેરીમાં હલ્લાબોલ 1 - image


- શ્રીહરિ પાર્કમાં દોઢ મહિનાથી પાણી વિતરણ ઠપ થતાં વિરોધ વંટોળ 

- દિવાળી ટાણે જ પાણી નહીં મળતા વેચાતું પાણી લેવા લોકો મજબૂર : સમસ્યાનું સત્વરે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના રાજપર રોડ પર આવેલી શ્રીહરિ પાર્ક સોસાયટીમાં છેલ્લા દોઢ માસથી પાણી વિતરણ ઠપ થતાં રોષે ભરાયેલા સ્થાનિકો પાલિકા કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતાં. દિવાળીના તહેવાર સમયે જ પાણી વિતરણ બંધ થતાં લોકો વેચાતુ પાણી લેવા મજબુર બન્યા છે, ત્યારે આ મામલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સુરેન્દ્રનગરમાં જીયુડીસી દ્વારા રૂા.૫૭ કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે અને ધોળીધજા ડેમ પણ પાણીથી સંપૂર્ણ ભરેલો હોવા છતાં પાણી વિતરણમાં ધાંધીયા થતાં છેવાડાના અનેક વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતુ હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે રાજપર રોડ પર આવેલી શ્રીહરી પાર્ક શેરી નંબર ૨ માં છેલ્લા દોઢ માસથી પાણી વિતરણ ઠપ થતાં રોષે ભરાયેલા સ્થાનિકો રજૂઆત કરવા પાલિકા કચેરીમાં દોડી આવ્યા હતાં.

 મહિલાઓ સહીતનાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ માસથી નળમાં પાણીનું એક ટીપું પણ નથી આવ્યું. પાણી ન મળતા લોકો બહારથી પાણી વેચાતુ લેવા મજબુર બન્યા છે. આ વિસ્તારમાં રહેતા લોકો મધ્યમવર્ગીય હોવાથી લોકો પૈસા ખર્ચીને પાણી લઇ શકે તેવી સ્થિતિ પણ નથી. તેમજ નગરપાલિકામાં ટેન્કર માટે રજૂઆત કરવા છતાં સમયસર ટેન્કર દ્વારા પણ પાણી મળતુ નથી. 

આગામી સમયમાં દિવાળીના તહેવારો આવતા હોવાથી મહિલાઓને ઘરની સાફસફાઈમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ સ્થાનિક ચૂંટાયેલા સભ્યોને જાણ કરવા છતાં ચૂંટાયેલા સભ્યો દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પાણીની લાઇન અંગેની જરૂરી કામગીરી કરી પુરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં પાલિકા કચેરીમા ધરણા સહીતના ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી. 

જ્યારે આ મામલે પાલિકા પ્રમુખ જીગ્નાબેન પંડયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં નવી લાઇન નાંખવાની કામગીરી ચાલુ છે અને હાલ પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. તેમજ પ્રજાજનો અને મહિલાઓને પણ પાણીનું મહત્વ સમજી જરૂરીયાત પુરતુ વાપરી બીન જરૂરી પાણીનો બગાડ નહી કરવા અપીલ કરી હતી.


Google NewsGoogle News