Get The App

લખતરના કડુ ગામની સરકારી શાળામાં કલાસરૃમના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી પડતા રોષ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
લખતરના કડુ ગામની સરકારી શાળામાં કલાસરૃમના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી પડતા રોષ 1 - image


- શાળાના રૃમો પાડી નાંખ્યા બાદ નવા નહિં બનાવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

- ધોરણ- 6 થી 8 ના 30 થી વધુ બાળકોને ગ્રામ પંચાયતમાં અભ્યાસ કરવાનો વારો આવ્યો

- બે વર્ષ કરતા પણ વધુ સમય વિત્યો હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાઈ

- વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડતા વાલીઓમાં રોષ

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા એકતરફ શિક્ષણનું સ્તર ઉંચું લાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેસીયો ઘટે તેવા હેતુથી શિક્ષણલક્ષી અનેક યોજનાઓ તેમજ સરકારી પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે પરંતુ સ્થાનીક તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને પુરતી શૈક્ષણિક સુવિધાઓ ન મળતી હોવાનું સામે આવ્યું છે ત્યારે લખતરના કડુ ગામની સરકારી શાળામાં નવા રૃમ બનાવવામાં ન આવતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સરકાર દ્વારા એકતરફ સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉચું આવે અને ડ્રોપ આઉટ રેસીયો ઘટે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવી શાળામાં અભ્યાસ કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે ત્યારે લખતર તાલુકાના કડુ ગામની સરકારી પ્રાથમિક શાળાના ૩ ઓરડા મંજુરી મેળવી પાડી દેવામાં આવ્યા છે પરંતુ ત્યારબાદ નવા રૃમો બનાવવામાં ન આવતા છેલ્લા એક વર્ષથી શાળાના ધોરણ-૬ થી ૮ ના વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતમાં બેસાડી શિક્ષણ મેળવવા મજબુર બનાવવામાં આવ્યા છે. કડુની પ્રાથમિક શાળામાં બાલવાટીકા અને ધોરણ-૧ થી ૮ સુધીમાં અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે પૈકી ધોરણ-૬ થી ૮ના અંદાજે ૩૩ જેટલા વિદ્યાર્થીઓ વર્ગખંડના અભાવે ગ્રામ પંચાયતમાં બેસી અભ્યાસ કરી રહ્યાં છે. સરકાર દ્વારા એક તરફ શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો પાછળ લાખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે કડુ ગમની સરકારી શાળામાં પુરતા રૃમના અભાવે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી કેમ ધ્યાને નહિં આવી હોય ? સહિતના પ્રશ્નોએ જોર પકડયું છે. જ્યારે કડુ પ્રાથમિક શાળાના ગ્રામ પંચાયતમાં બેસી શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસ પર પણ તેની અસર પડી રહી છે. શાળાના નવા ૬ રૃમ મંજુર થઈ ચુક્યા છે જેનું ત્રણ વખત ટેન્ડર બહાર પાડવા છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આથી તાત્કાલીક ધોરણે શાળામાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીને ધ્યાને લઈ નવા રૃમો બનાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં માંગ ઉઠવા પામી છે. 



Google NewsGoogle News