રાજ્યના નાણામંત્રીના વિવાદાસ્પદ નિવેદન મામલે કોળી સમાજમાં રોષ
- મંત્રી માફી માગે તેવી સમાજની માંગણી
- કલેક્ટરને આવેદનપત્ર આપી મંત્રી કનુભાઈ દેસાઈ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ
સુરેન્દ્રનગર : તાજેતરમાં ભાજપના નેતા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરૂધ્ધ કરેલા અપમાનજનક નિવેદનનો સમગ્ર રાજ્યમાં કોળી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજે આ અંગે આવેદન પત્ર પાઠવી વિરોધ કર્યો હતો અને અપમાનજનક નિવેદન બદલ મંત્રી દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી.
તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સમસ્ત કોળી સમાજ વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ વતી આગેવાનોએ આવેદન પત્ર આપ્યું હતું. તેમજ અપમાનજનક નિવેદન બદલ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા માફી માંગવામાં આવે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. આ અંગે આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત કોળી સમાજ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર એકતરફ ક્ષત્રિય સમાજનો પુરૂષોત્તમ રૂપાલા વિરૂધ્ધ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોળી સમાજ દ્વારા પણ ભાજપના મંત્રી દ્વારા અપમાનજનક નિવેદનના ઘેરાપ્રત્યાધાતો પડયા છે. ત્યારે લોકસભાની ચુંટણીમાં બન્ને સમાજના વિરોધને લઈ નવાજુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.