ચોટીલામાં આંગણવાડી બહેનોએ પોસ્ટર સળગાવી બજેટનો બહિષ્કાર કર્યો
- આંગણવાડીઓમાં તાળાબંધીની ચિમકી
- લઘુતમ વેતન સાથે ચોથા વર્ગના કર્મચારી તરીકે સમાવેશ કરવા માંગ
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકા આંગણવાડી કચેરી બહાર આંગણવાડી બહેનોએ વિવિધ માંગો સાથે વિરોધ કર્યો હતો અને સરકારના તાજેતરમાં રજૂ કરેલા બજેટ ૨૦૨૪ના પોસ્ટર સળગાવી બજેટનો બહિષ્કાર કર્યો હતો.
ચોટીલા તાલુકા આંગણવાડી કચેરી બહાર ચોટીલા સહિત આસપાસના ગામોની આંગણવાડી બહેનો માટે તાજેતરના ૨૦૨૪ના બજેટમાં પણ કોઈપણ જાતના લાભો કે ફાયદો ન થતાં બજેટનો બહિષ્કાર કર્યો હતો. તેમજ બજેટ ૨૦૨૪ના પોસ્ટરો સળગાવી સરકાર સામે રોષ દાખવ્યો હતો.
જિલ્લા સહિત રાજ્યભરની તમામ આંગણવાડી બહેનોને લધુતમ વેતનમાંથી ચોથા વર્ગના કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ આગામી દિવસોમાં જો માંગો પુરી કરવામાં નહિ આવે તો તમામ આંગણવાડીઓમાં તાળાબંધીઓ કરી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. આ તકે મોટીસંખ્યામાં આંગણવાડીની બહેનો જોડાઈ હતી.