વઢવાણ 80 ફૂટ રોડ પરના કોમ્પ્લેક્સમાં ગેરકાયદે ચાલતી શાળા સીલ કરાઈ
- ઉપરના માળે બાંધકામ કરી શાળા ધમધમતી હતી
- સુરેન્દ્રનગર પાલિકા તંત્રને ફાયર સેફટીના નિયમોના ઉલંધ્ધન બદલ અમદાવાદ ફાયર વિભાગે જાણ કર્યા બાદ કાર્યવાહી કરાઈ
સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફુટ રોડ પર નવરંગ સોસાયટી-૨ ઉપર માલીકીની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ અને શાળા ચલાવતા હોવાની લેખીત રજુઆત જગ્યાના માલીક દ્વારા ડીએસપી, જીલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી હતી. જે અંગે તંત્ર દ્વારા તાત્કાલીક ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું અને અમદાવાદ રીઝયોનલ ફાયર ઓફીસ દ્વારા ફાયર સેફટીના ઉલંધ્ધન બદલ પાલિકાના ચીફઓફીસરને લેખીત સુચનાઓ આપતા તાત્કાલીક અસરથી આ શાળાને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતા અરજદાર નરેન્દ્રભાઈ પ્રાગજીભાઈ પટેલની માલીકીની ૮૦ ફુટ રોડ પર આવેલ નવરંગ સોસાયટી-૨ ઉપર અરજદારના ભાગીદારે અનઅધિકૃત રીતે ગેરકાયદેસર ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા ગીતા વિદ્યાલય અને ટયુશન કલાસનું ઉપરના માળે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જે મામલે અરજદારે વર્ષ ૨૦૧૯માં જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરતા સ્થળ પર તપાસ કરી ઉપરના માળનું બાંધકામ દુર કરવાનો હુકમ કરી નોટીસ ફટકારી હતી. પરંતુ તે સમયે પણ તંત્રની નોટીસની કોઈપણ જાતની પરવાહ કર્યા વગર શાળા શરૂ રાખવામાં આવી હતી. જે મામલે તાજેતરમાં અરજદારે ફરી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી.
તેના પડધા અમદાવાદ રીઝયોનલ ફાયર કચેરી સુધી પડયા હતા અને તાત્કાલીક સફાળુ જાગી આ મામલે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ચીફ ઓફીસરને લેખીત જાણ કરી શ્રી શારદા ગીતા વિદ્યાલયમાં ફાયર સેફટીના સાધનો તેમજ એનઓસી બાબતે ઉલંધ્ધન થતું હોવાની સ્પષ્ટ જાણ કરી આ મામલે કાર્યવાહી કરવાની તેમજ સીલ મારવાની સુચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર પાલિકાની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગેરકાયદેસર બાંધકામ કરી ઉપરના માળે ચાલતી શ્રી શારદાગીતા વિદ્યાલયના મુખ્ય દરવાજા પર સીલ તેમજ અમદાવાદ ફાયર વિભાગની નોટીસ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથધરતા શાળા સંચાલક સહિતનાઓમાં દોડધામ મચી જવા પામી છે.