વઢવાણના યુવકને કચેરીએ બોલાવી ડીવાયએસપીએ માર માર્યો હોવાનો આક્ષેપ
- માલધારી સમાજની ભાજપ વિરૂદ્ધ મતદાનની ચિમકી
- માર મારનાર સામે ગુનો નોંધવા માંગ : જિલ્લા પોલીસવડાએ સમગ્ર બનાવની તપાસ લીંબડી ડીવાયએસપીને સોંપી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથક તેમજ જિલ્લા પોલીસવડા કચેરી ખાતે માલધારી યુવકને ડીવાયએસપી દ્વારા માર માર્યો હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવી હતી. તેમજ મારમારનાર પોલીસ અધિકારી સામે ફરિયાદ દાખલ કરી ન્યાયીક રીતે તપાસની માંગ કરી હતી.
વઢવાણ માલધારી ચોક વિસ્તારમાં રહેતા અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સતીષભાઈ ગમારા પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે જોરાવરનગર પોલીસ મથકે દાખલ થયેલા ચેપ્ટર કેસ મામલે ડીવાયએસપી કચેરી ખાતે રૂબરૂ બોલાવી ડીવાયએસપી વી.બી.જાડેજાએ અપશબ્દો કહી માર માર્યો હોવાનો આક્ષેપ માલધારી સમાજના આગેવાનોએ કર્યો હતો.
પોલીસ અધિકારી દ્વારા માર મારવાથી કાનના ભાગે ઈજાઓ પહોંચતા યુવકને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે. જે મામલે માલધારી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને પ્રથમ એ-ડિવીઝન પોલીસ મથકે પીઆઈને લેખીત રજુઆત કરી હતી અને ત્યારબાદ ડીએસપી કચેરી ખાતે પણ રજુઆત કરી યુવકને માર મારનાર ડીવાયએસપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સતીષભાઈ ગમારા દ્વારા વડાપ્રધાનના સુરેન્દ્રનગર ખાતે કાર્યક્રમ દરમિયાન અનોખી રીતે વિરોધ કરવાની એક વીડિયો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી. જે મામલે ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ માર માર્યો હોવાનો આક્ષેપ માલધારી સમાજના આગેવાનોએ કર્યો હતો.
તેમજ આગામી તા.૭ સુધીમાં ફરિયાદ દાખલ કરવામાં નહિં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં સમસ્ત માલધારી સમાજ ભાજપના વિરૂધ્ધમાં મતદાન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
જિલ્લા પોલીસવડાએ રજૂઆતને સાંભળી હતી અને આ અંગે પારદર્શક અને ન્યાયીક રીતે તપાસ કરવાની ખાતરી આપી હતી. તેમજ આ સમગ્ર બનાવની તપાસ લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારીને સોંપી હતી.