કચરા સાથે બિનઉપયોગી પથ્થરોનો જથ્થો ભરાતો હોવાના આક્ષેપ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
કચરા સાથે બિનઉપયોગી પથ્થરોનો જથ્થો ભરાતો હોવાના આક્ષેપ 1 - image


- સુરેન્દ્રનગર પાલિકાના કચરો ઉપાડવાના ટ્રેક્ટરમાં

- કચરો ઉપાડવાની કામગીરીમાં ગેરરીતિ થતી હોવાનો વીડિયો વાયરલ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો ઉપાડવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કચરો ઉપાડવાના ટ્રેકટરમાં કચરા સાથે લાગતા વળગતા લોકોના ઘરનો પથ્થર સહિતનો વેસ્ટેજ કચરો પણ ભરીને લઈ જતા હોય તેવો વીડિયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ સહિત રહેણાંક વિસ્તારોમાંથી કચરો ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા શ્રમીકો દ્વારા ટ્રેકટર મારફતે વિવિધ વિસ્તારો તેમજ જાહેર માર્ગો પરથી કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઈટ પર ઠાલવવાનો હોય છે. પરંતુ શ્રમિકો ડમ્પીંગ સાઈટ પર નાંખવાના કચરા સાથે સાથે ટ્રેકટરમાં લોકોના ઘરનો બીનઉપયોગી પથ્થર તેમજ અન્ય રો-મટીરીયલ પણ સાથે ભરી લઈ જતા હોવાના આક્ષેપો ઉઠયાં છે. 

 શહેરના મોરબી પુલ પરથી પસાર થઈ રહેલા એક ટ્રેકટરને કમલેશ કોટેચા દ્વારા રોકી ચાલકની પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને પાલિકાના કોન્ટ્રાક્ટર તેમજ સત્તાધિશોના કહેવાથી કચરા સાથે સાથે પથ્થરનો જથ્થો પણ ભરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. 

એક તરફ શહેરમાં ઠેરઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે અને તેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે બીજી બાજુ પાલિકાના ચીફ ઓફીસર તેમજ પ્રમુખની રહેમ નજર હેઠળ કચરો એકત્ર કરવાની કામગીરીમાં મોટાપાયે ગેરરીતી આચરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. 

જેમાં કચરાની સાથે ટ્રેકટરમાં વજનદાર પથ્થરો ભરવામાં આવતા વજન એકદમ વધી જાય છે. જ્યારે બીજી બાજુ ઓછો કચરો ભરવાથી ટ્રેકટરના ફેરા વધુ થાય છે. જેથી ગણતરી મુજબ કચરો ઓછો હોવા છતાં ટ્રેકટરના વધુ ફેરા નોંધાતા હોવાથી ગેરરીતી થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આથી કચરો એકત્ર કર્યા બાદ ટ્રેકટરમાં કચરા સાથે અન્ય કોઈ મટીરીયલ કે કચરા સિવાયનું બિનઉપયોગી માલસામાન ભરવામાં આવ્યો છે કે કેમ ? તે અંગે સમયાંતરે ચેકીંગ હાથ ધરવામાં આવે અને નક્કી કરેલ ધારાધોરણ મુજબ કચરો એકત્ર કર્યા બાદ ડમ્પીંગ સાઈટ સુધી ઠાલવવામાં આવે તેવી માંગ ઉઠી છે. કચરો એકત્ર કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાંન્ટ ફાળવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરની મીલીભગતથી ગેરરીતી થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News