કબડ્ડીના જુનીયર ખેલાડીઓનું ઈરાદાપુર્વક સિલેક્શન ના કરાતું હોવાના આક્ષેપ
- ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર જિલ્લાના
- અન્ય જિલ્લાના ખેલાડીઓનો સમાવેશ કરતા રોષ, ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામો તેમજ જિલ્લામાં રહેતા કબડ્ડી રમતા જુનીયર ખેલાડીઓ સાથે પસંદગી તેમજ અન્ય બાબતોમાં અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે ધ્રાંગધ્રા તાલુકાના કબડ્ડીના ખેલાડીઓએ એસોશીએસનના પ્રમુખને લેખીત રજુઆત કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ, ધ્રાંગધ્રા ખાતે રહેતા તેમજ કબડ્ડીની પ્રેક્ટીસ કરતા અંદાજે ૨૦થી વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં વર્ષોથી ભાગ લે છે. તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાએ રમવા પણ જઈ ચુક્યા છે.
ત્યારે આ ખેલાડીઓ જુનીયરકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સાહ અને લાયકાત ધરાવે છે પરંતુ જિલ્લાના કબડ્ડી એસોશીએસનના હોદ્દેદારો દ્વારા સુરેન્દ્રનગરની ટીમને બદલે બહારના અન્ય જિલ્લાના ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરી રમવાનો મોકો આપે છે, જ્યારે ધ્રાંગધ્રા સહિત જિલ્લાના ખેલાડીઓનું ઈરાદાપૂર્વક સિલેકશન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમજ સુરેન્દ્રનગર ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું પણ આયોજન કરી જુનીયર ખેલાડીઓનું સીલેકશન કરી રાજ્યકક્ષાએ ટીમને મોકલવાની માંગ કરી હતી.
જે મામલે કબડ્ડી એસોશીએસનના પ્રમુખ રાજેશભાઈ મકવાણા સાથે ટેલીફોનીક વાતચીત કરતાં, જિલ્લાની ટીમમાં માત્ર ચાર જ ખેલાડીઓ રમશે અને અન્ય ખેલાડીઓ અમદાવાદથી રમશે તેવું જણાવવામાં આવતાં આ અંગે લેખીત રજુઆત કરી હતી અને જિલ્લાના ખેલાડીઓને પણ મોકો આપવાની જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી.