લીંબડીના ખંભલાવની પ્રસુતાનું ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યાનો આક્ષેપ
- ખાનગી હોસ્પીટલ ખાતે ગર્ભપાત કરાવ્યા બાદ મોત નીપજ્યું હતું
- મૃતક પ્રસુતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો
સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના ખંભલાવ ગામની પરણિતા તેમજ પ્રસુતાનું ગર્ભપાત કરાવતા ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો .અને પરણિતાના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો છે .જે મામલે સ્થાનીક પોલીસે વધુ તપાસ હાથધરી છે.
લીંબડીના ખંભલાવ ગામે રહેતી પરણિતા તેમજ સગર્ભા પુરીબેનભરતભાઈ કાલીયા ઉ.વ.૩૦ની તબીયત લથડતા લીંબડીની નિષ્ઠા ખાનગી હોસ્પીટલમાં ચેકઅપ માટે લઈ ગયા હતા જ્યાં ફરજ પરનાં તબીબે સોનોગ્રાફી કરાવતા પતિ ભરતભાઈ સુરેન્દ્રનગરની હોસ્પીટલ લાવ્યા હતા અને ત્યાં સોનગ્રાફી કરાવી સાંજે તે જ લીંબડીની ખાનગી હોસ્પીટલ ખાતે રીપોર્ટ બતાવવા માટે ગયા હતા.
પરંતુ ડોક્ટર હાજર ન હોવાથી દંપતિ પોતાના ઘરે જતા રહ્યાં હતાં અને બીજે દિવસે સવારે ફરી રીપોર્ટ બતાવવા આવ્યા હતા ત્યારે તબીબે રીપોર્ટ જોઈને બાળકનો પુરતો વિકાસ થશે નહિં આથી ગર્ભપાત કરાવવાનું કહેતા પ્રસુતાને ગર્ભપાત કરાવવા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અને અચાનક સાંજે તબીબે પ્રસુતા સીરીયસ છે અને શ્વાસ નથી લઈ શકતા તેમ જણાવ્યું હતું અને સુરેન્દ્રનગર લઈ જવાનું કહેતા બેભાન હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાંના તબીબે પ્રસુતાને મૃત જાહેર કર્યા હતા. આથી પતિ સહિત પરિવારજનોએ લીંબડી ખાનગી હોસ્પીટલના તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને પ્રસુતાના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેનસીક પીએમ અર્થે રાજકોટ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જે મામલે લીંબડી પોલીસે વધુ તપાસ હાથધરી છે.