વઢવાણમાં પાયાની સુવિધાના મામલે રહિશોની ઉગ્ર રજૂઆત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
વઢવાણમાં પાયાની સુવિધાના મામલે રહિશોની ઉગ્ર રજૂઆત 1 - image


- કલેક્ટર અને પાલિકાને લેખિત રજૂઆત 

- કોઠારીયા રોડ પર આવેલા સુડવેલ સોસાયટીના રહિશો પરેશાન 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ શહેરના અમુક છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે પાલિકાના વોર્ડ નં.૬માં કોઠારીયા રોડ પર આવેલ સુડવેલ સોસાયટીના રહિશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા જીલ્લા કલેકટર તેમજ પાલિકા કચેરી ખાતે લેખીત રજુઆત કરી હતી અને યોગ્ય ઉકેલ નહિં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ પાલિકાના વોર્ડ નં.૬માં કોઠારીયા રોડ પર આવેલ સુડવેલ સોસાયટીમાં અંદાજે ૫૦૦થી વધુ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી ત્યારે આ અંગે સ્થાનીક સદ્દસ્યોને પણ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તાર સાથે શરૂઆતથી જ ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરતાં હોવાનો પણ સ્થાનીકોએ આક્ષેપ કર્યો હતો. દર વખતે સ્થાનીક સદ્દસ્યો ચુંટણી ટાણે મત માંગવા આવે છે પરંતુ જીતી ગયા બાદ સુડવેલ સોસાયટીમાં ફરકતા પણ ન હોવાનું રહિશોએ જણાવ્યું હતું. 

જ્યારે અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં મોટીસંખ્યામાં રહિશો એકત્ર થયા હતાં અને જીલ્લા કલેકટર તેમજ પાલિકા કચેરી ખાતે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ઉગ્ર રજુઆતો કરી હતી અને આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.



Google NewsGoogle News