અગરિયાની કોઠાસુઝ : પાટાના તળિયા બાંધવા રોલર બનાવ્યું

Updated: Nov 17th, 2021


Google NewsGoogle News
અગરિયાની કોઠાસુઝ : પાટાના તળિયા બાંધવા રોલર બનાવ્યું 1 - image


- તળીયા બાંધવા અને જમીન સરખી કરવાનો સમય બચશે

- બાઇકના બંને ટાયર કાઢીને પથ્થરના રોલર નખાવ્યા : ત્રણ માણસનું કામ એક વ્યક્તિ કરી શકશે

પાટડી : રણમાં કામ કરતા અગરીયાઓનો સૌથી વધુ સમય મીઠુ પકવવા માટે પાટાના તળીયા બાંધવા-જમીન સરખી કરવામાં જતો હોય છે જેને પડાલી કહેવામાં આવે છે. સમય અને શકિતનો વેડફાટ થતો હોય છે પરંતુ એક અગરીયાએ પોતાની કોઠાસુઝથી રોલર બનાવતા મોટાભાગના અગરીયાઓને રાહત થઈ છે.

રણમાં મીઠુ પકવવા પાટાના તળીયા બાંધવામાં અગરીયાઓની સમય અને શકિતનો વ્યય થતો હતો. અગરીયા રણમાં જાય ત્યારે જમીન સુકાઈને તિરાડો પડી ગઈ હોય છે એટલે સૌ પ્રથમ કુવો ખોદી પાણી કાઢીને જમીન પલાળવી પડે છે. ત્યારબાદ ઘરના જેટલા સભ્યો હોય તે બધા આ પાટાની પલાળેલી જમીન પર અવર-સવર ચાલે છે જેને પડાલી કહેવામાં આવે છે જમીનમાં રહેલી તિરાડો પુરાઈ જાય અને તળીયુ કાઠુ- રોડ જેવુ બની જાય પછી તેમાં મીઠુ પકવી શકાય  આ બધી મહેનતમાં સમય અને શકિત વપરાતી હતી. એવામા દસાડા મંડળીમાં મીઠુ પકવતા બાબુભાઈ  વીંધાણીએ પોતાની કોઠા સુઝ વાપરી પોતાના ગેરેજ ચલાવતા ભાઈ પાસે જઈ બાઈકના બન્ને વ્હીલ કઢાવી ત્યાં પથ્થરના રોલ ફીટ કરાવી પાછળ બન્ને બાજુ બેરીંગ, ચક્કર, ચેઈટ વિગેરે ફીટ કરાવી પાટામાં ચલાવવા લાગ્યા છે. જે કામ ત્રણ-ચાર માણસોએ કરવુ પડતુ હતુ અને જે કામ ત્રણ -ચાર દિવસ સુધી ચાલતુ હતુ એ કામ કલાકોમાં થવા લાગ્યુ છે. બાબુભાઈ કહે છે કે, મારા જેવા એકલ-દોકલ માણસે હવે પાટાના તળીયા બાંધવા ખુબજ આસાન થઈ ગયા  છે. 


Google NewsGoogle News