થાનના તરણેતર વિશ્વ પ્રસિધ્ધ મેળામાં અશ્લીલ ડાન્સના વિડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું
- વાયરલ વિડિયો અંગે ખરાઈ કર્યા બાદ કાર્યવાહી કરવાની માત્ર ખાતરી આપી સંતોષ માન્યો
- પ્લોટ રાખનાર, હરરાજી કરનાર અને મોતના કુવાના સંચાલક સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું
- ઉચ્ચ અધિકારીઓ, રાજકીય આગેવાનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં અશ્લીલ ડાન્સ મામલે કાર્યવાહી ન થતાં ચર્ચાઓ
- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ પણ વહિવટી તંત્ર પર પ્રહારો કર્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાયેલ વિશ્વ પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળામાં લોકસંસ્કૃતિ ભુલાતી હોય તેવો વિડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ ચકચાર મચી જવા પામી હતી અને આ મામલે વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પોતાનો લુલો બચાવ કરી સમગ્ર મામલે તપાસ કરવાની ખાત્રી આપી સંતોષ માન્યો હતો.
તરણેતરના મેળામાં મોતના કુવાના સ્ટેજ પર હિન્દી ફિલ્મોના ગીતો પર યુવતીઓ અશ્લીલ ડાન્સ કરતી હોય તેવા વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે જે મામલે ઈન્ચાર્જ કલેકટર આર.એ.ઓઝાનો સંપર્ક કરતા વાયરલ વિડિયો સાચો છે કે ખોટો તે અંગે ખરાઈ કરવામાં આવશે અને આ બાબતની તપાસ ચોટીલા પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. જો વિડિયો સાચો અને મેળાનો સાબીત થશે તો આ મેળામાં પ્લોટ રાખનાર, પ્લોટની હરરાજી કરનાર એજન્સી તેમજ મોતના કુવાના સંચાલક સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી સંતોષ માન્યો હતો.