કુહાડી મારી પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ગળેફાંસો ખાઈને આપઘાત

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
કુહાડી મારી પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ગળેફાંસો ખાઈને આપઘાત 1 - image


ચારિત્ર્યની શંકા કરી ખૂની ખેલ ખેલાયો 

જામનગરનાં કનસૂમરા ગામે પતિનાં પીશાચી કૃત્યથી લોકોમાં અરેરાટીઃ હત્યામાં વપરાયેલી કુહાડી કબજે

જામનગર: જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પોતાની પત્ની પર ચારિત્ર અંગે શંકા કુશંકા કરી માથામાં લાકડાના હાથા વાળા કુહાડાના ચાર ઘા  ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી, ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સુતરની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે.

 આ બનાવ ની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટ માં ઝૂંપડું બાંધીને રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી નામના ૪૮ વર્ષના પરપ્રાંતીય શખ્સે  પોતાની પત્ની ના માથા પર કુહાડાના ચાર જેટલા પ્રહાર કરી દઈ હત્યા નિપજાવી હતી.

 લોહીથી લથબથ મહિલાનું ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું, ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી, કે જે બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સુતર ની દોરી થી ગળાફાંસો ખાઈ લઇ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.  જેથી આ ગોઝારી ઘટનામાં પતિ પત્ની બંનેના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ. આઇ. એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને એક પછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે આઇપીસી કલમ ૩૦૨ અને જીપીએટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને હત્યામાં વપરાયેલા લોખંડનો કુહાડો વગેરે કબજે કર્યા છે.

 પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી નેવાભાઈ કે જે પોતાની પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા કુશંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથે આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. અને જે બાબતનું મનદુઃખ રાખીને ગઈ રાત્રે હત્યા ની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ જીવન લીલા સંકેલી લીધી હતી.


Google NewsGoogle News