રાજગઢ પાસેથી પસાર થતી બે માઈનોર કેનાલના કામ અદ્ધરતાલ
- પાંચ વર્ષથી કામગીરી અધુરી
- અધુરી કામગીરી સત્વરે પુરી કરવા ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામ પાસેથી પસાર થતી માઈનોર કેનાલની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી અધુરી હોય પૂર્ણ કરવા રાજગઢ ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓએ ડેપ્યુટી કલેકટરને લેખીત રજૂઆત કરી હતી.
આ
અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ, રાજગઢ ગામ પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા
બ્રાન્ચની ડી-૯ માઈનોર કેનાલ તેમજ રાજગઢ બ્રાન્ચ માઈનોર કેનાલની કામગીરી છેલ્લા
પાંચ વર્ષથી અધુરી છે અને એકપણ માઈનોર કેનાલ શરૃ કરવામાં આવી નથી.
જ્યારે બન્ને માઈનોર કેનાલની ટેન્ડર પ્રક્રિયા
પણ પૂર્ણ થઈ ચુકી છે અને સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. તેમ છતાં
છેલ્લા પાંચ વર્ષથી માઈનોર કેનાલની કામગીરી પૂર્ણ થઈ નથી. જેના કારણે રાજગઢ સહિત
આસપાસના ખેડૂતોને સીંચાઈ માટે પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
આથી
તાત્કાલિક નર્મદા વિભાગ દ્વારા બન્ને માઈનોર કેનાલની અધુરી કામગીરી પૂર્ણ કરવામાં
આવે તેવી સરપંચ ભાઈલાલભાઈ તેમજ ગ્રામજનોએ ડેપ્યુટી કલેકટરને લેખીત રજુઆત કરી હતી.