સુરેન્દ્રનગરના પુલમાં તિરાડો પડવા મુદ્દે રિપોર્ટ બાદ કસૂરવાર સામે કાર્યવાહી થશે
- નગર પાલિકાએ સ્થળ તપાસ કરાવી
- 4.95 કરોડના ખર્ચે બનેલા પુલમાં માત્ર તિરાડ જ પડી હોવાનો દાવો : પગલાં લેવાની પાલિકાની હૈયાધારણા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા જિલ્લા પંચાયત ભોગાવો નદી પાસે રૂા.૪.૯૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પુલમાં લોકાર્પણના થોડા દિવસો બાદ જ તિરાડો પડી જતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જે મામલે પાલિકાના સત્તાધીશો દ્વારા પુલની કામગીરીમાં કોઈ જ ગેરરીતી નહિં થઈ હોવાનું જણાવ્યું હતું અને માત્ર તીરાડો જ પડી હોવાનો દાવો કર્યો હતો. તેમજ સ્થળ તપાસ કરાવી હતી. જેનો રિપોર્ટ આવ્યા બાદ કોઈ દોષીત જણાશે તો જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલા કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાથી પડતી હાલાકીને ધ્યાને લઈ સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા અંદાજે રૂા.૪.૯૫ કરોડના ખર્ચે નવા પુલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ચાર વર્ષે ખુબ જ ધીમી ગતીએ થયા બાદ અંતે ગત તા.૧૦ ફેબુ્રઆરીના રોજ પુલનું લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેના પાંચ થી છ દિવસમાં જ પુલ પર તીરાડો પડી જતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની નબળી તેમજ હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી હતી અને તાબડતોબ તંત્ર દ્વારા પુલમાં પડેલી તીરાડોનું રીપેરીંગ કામ કરાયું હતું.
જે મામલે પાલિકા પ્રમુખનો સંપર્ક કરતા, પુલનું સ્ટ્રકચર મજબુત અને સારી ગુણવત્તાનું કામ થયું હોવાનું જણાવી માત્ર તીરાડો જ પડી હોવાનું જણાવ્યું હતું. તેમજ પુલની કામગીરી અંગે ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. તેમજ રીપોર્ટમાં કોઈ દોષીત જણાય આવશે તો કોન્ટ્રાક્ટર સહિત તમામ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.