ધ્રાંગધ્રામાં ખુલ્લા પ્લોટમાં બાયોમેડિકલ વેસ્ટ નાખતી હોસ્પિટલ સામે કાર્યવાહી
- દર્દીઓ અને પરિવારજનો પર તોળાતુ જોખમ
- જિલ્લા પ્રદુષણ નિયંત્રણ બોર્ડે સ્થળ તપાસ કરી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલ્યો
ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલી ખાનગી શ્રીજી હોસ્પિટલ દ્વારા થોડા દિવસ અગાઉ નજીકમાં જ જોખમી બાયોમેડીકલ વેસ્ટ ઠાલવતા હોવાનું સામે આવ્યું હતું. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ સામે વડી કચેરીને રીપોર્ટ મોકલી કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલી શ્રીજી હોસ્પીટલની લેબોરેટરી દ્વારા તાજેતરમાં એક દર્દીને કોઈપણ જાતની ગંભીર બીમારી નહિ હોવા છતાં ચિંતાજનક લેબોરેટરી રીપોર્ટ આપ્યો હતો અને દર્દીએ અમદાવાદ ખાતે રીપોર્ટ કરાવતા મોટો તફાવત જણાઈ આવતાં હોસ્પિટલની ગેરરીતિ અને બેદરકારી સામે આવતા ભોગ બનનાર દર્દીએ ઉચ્ચકક્ષાએ હોસ્પિટલના ડોક્ટર સહિત લેબોરેટરીના સંચાલકો સામે કડક કાર્યવાહીની રજુઆત કરી હતી.
આ બનાવની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં હોસ્પિટલ દ્વારા બારીઓમાંથી બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં મેડીકલ વેસ્ટ ફેંકી દેવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે હોસ્પીટલમાં આવતાં દર્દીઓ અને તેમના પરીવારજનોના આરોગ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
આથી આરોગ્ય વિભાગ તેમજ તંત્ર દ્વારા હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. આ બનાવ બાદ જિલ્લાના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધીકારીઓ અને ટીમે સ્થળ પર મુલાકાત લઈ બાયોમેડીકલ વેસ્ટના ખુલ્લા પ્લોટમાં નીકાલ અંગે સમીક્ષા તેમજ રીપોર્ટની કામગીરી હાથ ધરી હતી.
જેમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ફાલ્ગુનભાઈ મોદીના જણાવ્યા મુજબ શ્રીજી હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા જ બાયોમેડીકલ વેસ્ટનો ખુલ્લા પ્લોટમાં નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ બાયોમેડીકલ વેસ્ટ દર્દીઓ સહિત તેમના પરિવારજનો માટે પણ ખુબ જ નુકશાનકારક હોવાથી આરોગ્યને હાની પહોંચી શકે છે.
તેમજ સરકારના નિયમોનું પણ ઉલંધ્ધન કરી હોસ્પિટલ નજીક જ બાયોમેડીકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હોવાનો ઉચ્ચકક્ષાએ રીપોર્ટ મોકલવામાં આવ્યો છે.