બે વર્ષ પૂર્વે બાવળાના ગાંગડ ગામે આરટીઆઈ હેઠળ માહિતી ન આપતા આચાર્યને 5 હજારનો દંડ

-અરજદારે કંટાળીને મુખ્ય માહિતી કમિશ્નરને ફરિયાદ કરતા દંડ

Updated: Apr 7th, 2019


Google NewsGoogle News
બે વર્ષ પૂર્વે બાવળાના ગાંગડ ગામે આરટીઆઈ હેઠળ માહિતી ન આપતા આચાર્યને 5 હજારનો દંડ 1 - image

બગોદરા તા.6 એપ્રિલ 2019,શનિવાર

બાવળા તાલુકાના ગાંગડ ગામે અંદાજે બે વર્ષ પહેલાં સ્થાનિક રહીશ દ્વારા પ્રાથમિક શાળા ગાંગડનાં આચાર્ય પાસે આરટીઆઈ માંગવામાં આવી હતી. જે અંગે બે વર્ષ બાદ પણ કોઈ જ માહિતી આપવામાં ન આવતાં અરજદારે મુખ્ય માહિતી કમીશ્નર પાસે માહિતી આયોગ ગાંધીનગર પાસે દાદ માંગી હતી.

જેના ભાગરૃપે ગુજરાત રાજ્ય માહિતી કમીશ્નર દ્વારા આચાર્યને જરૃરી માહિતી પુરી ન પાડવા બદલ જવાબદાર ગણી રોકડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આગામી ત્રણ દિવસમાં વિના મુલ્યે માંગેલ માહિતી આપવાનું જણાવ્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા તાલુકાનાં ગાંગડ ગામે અંદાજે બે વર્ષ પહેલાં ગામનાં નાગરિક કૌશીકકુમાર રતિલાલ જાદવ દ્વારા ગાંગડ પ્રાથમિક શાળાનાં તત્કાલીન આચાર્ય એમ.જી.રાણા પાસે આરટીઆઈ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી.

જેમાં સરકારનાં આદેશ મુજબ સ્કુલમાં ગ્રામજનોની એક કમીટીની રચનાં કરવાનું જાહેર કરેલ હોય આ અંગે કમીટીની ક્યારે રચના કરવામાં આવી ? તથા તેમાં સભ્ય પદ મેળવવા માટે શું આધાર પુરાવાની જરૃર છે અને હાલમાં આ કમીટીમાં કાર્યરત પ્રમુખ અને સભ્યોના બાળકો આ શાળામાં કયાં ધોરણમાં અભ્યાસ કરે છે ?

કમીટીની રચના બાદ શાળામાં આવેલ ફરિયાદ ઉપરાંત સંવિધાન દિન તરીકે જાહેર થયેલ ૨૬ નવેમ્બરના દિવસને શાળા કેવી રીતે ઉજવણી કરે છે ? આ તમામ બાબતોની વર્ષ ૨૦૧૬માં આરટીઆઈ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી પરંતુ ગાંગડ પ્રાથમિક શાળાનાં માહિતી અધિકારી તેમજ આચાર્ય એમ.જી.રાણા દ્વારા કોઈ જ જવાબ કે માહિતી આપવામાં આવી નહોતી અને આ અંગે વર્ષ ૨૦૧૭માં અપીલ અધિકારી અને તાલુકા શિક્ષણાધિકારી બળવંતસિંહ ગોહિલ દ્વારા અપીલમાં આવેલ અરજી બાબતે કોઈ જ જવાબ ન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જે અંગે ફરિયાદી કૌશીકકુમાર રતીલાલ જાદવે મુખ્ય માહિતી કમીશ્નર પાસે માહિતી આયોગ ગાંધીનગર પાસે દાદ માંગી હતી.

 જેના અનુસંધાને ગુજરાત રાજ્ય માહિતી કમીશ્નર દ્વારા માહિતી અધિકારી તેમજ આચાર્ય એમ.જી.રાણા દ્વારા અરજદારને જરૃરી માહિતી પુરી ન પાડતાં જરૃરી રૃા. ૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ કાયદા મુજબ સમય મર્યાદામાં પ્રથમ અપીલનો નિર્ણય કરવામાં ન આવતાં હુકમ મળ્યાનાં ત્રણ દિવસમાં માંગેલ માહિતી વિના મુલ્યે પુરી પાડવાનું પણ જણાવ્યું હતું.


Google NewsGoogle News