હળવદના સુરવદરમાં થયેલી હત્યાના કેસમાં આરોપીને 10 વર્ષ કેદની સજા
- વર્ષ 2018 માં આધેડની હત્યા થઈ હતી
- એક લાખ રૃપિયા દંડ અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદનો મોરબી કોર્ટનો હુકમ
ઃ શંકાનો લાભ આપી અન્ય એક આરોપીને છોડી મૂકાયો
હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામમાં દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા મારામારી કરી આધેડને છરીના ઘા ઝીંકી દેવાતા ગંભીર ઈજાઓના લીધે તેમનું મોત થયું હતું. જે હત્યા અંગેનો કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. તો અન્ય એક આરોપીને છોડી મુકવા હુકમ કર્યો છે.
હળવદ
તાલુકાના સુરવદર ગામના નિતેષભાઈ સુરાણી ગત તા. ૨૦-૧૧-૨૦૧૮ના રોજ ઘરે હતા ત્યારે
થોડે દૂર દેકારો થતા ગામના ઝાપા તરફ ગયા હતા. ત્યાં ગામના ભરત ગાંડુભાઈ દેસાઈની
દુકાન સામે કુટુંબી ભાઈ અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણી બાઈક લઈને ઉભા હતા. ત્યાં
ગામના મનસુખ તખુભાઈ દેસાઈ અને જતિન મનસુખ દેસાઈ લાકડાના ધોકા લઈને અપશબ્દો બોલતા
હતા અને તમે કાલે અમારા પર છોકરીની છેડતી બાબતે શા માટે બોલાચાલી કરી કહીને જતિને
લાકડાના ધોકા વડે અશોકભાઈને છાતીના ભાગે ઘા મારી તેમજ મનસુખભાઈએ છરી કાઢી પીઠના
પાછળના ભાગે ઘા કરી ઈજા પહોંચાડી હતી. જેમાં ઈજાગ્રસ્ત અશોકભાઈનું સારવાર દરમિયાન
મોત થયું હતું. જે બનાવ અંગે નિતેષભાઈ સુરાણીએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે
હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા.
ઉપરોક્ત
કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટ મોરબીમાં ચાલી જતા મદદનીશ
સરકારી વકીલે કોર્ટમાં ૧૦ મૌખિક પુરાવા અને ૨૯ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
કોર્ટે
આરોપી મનસુખ તખુભાઈ દેસાઈ (ઉ.વ.૪૯)ને કલમ ૩૦૪ (પાર્ટ-૨) મુજબ ૧૦ વર્ષની સખ્ત કેદની
સજા અને એક લાખ રૃપિયા દંડ ફટકાર્યો છે.
જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
તેમજ કલમ ૫૦૪ મુજબ આરોપી મનસુખ દેસાઈને ૩ માસની સાદી કેદની સજા અને ૧,૦૦૦ રૃપિયા દંડ પણ
ફટકાર્યો છે. આરોપીને કરવામાં આવેલી તમામ સજા એકસાથે ભોગવવા આદેશ ફરમાવ્યો છે.
જયારે અન્ય આરોપી જતિન મનસુખ દેસાઈને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ પણ કર્યો
છે.