પાટડીનાં નાવીયાણી ગામે 8.18 કરોડની છેતરપિંડી કેસમાં ત્રણ આરોપી ઝડપાયા
- જમીન વેચાણનો સોદો થયા પછી રૂપિયા ચૂકવ્યા પહેલા સહીઓ કરાવી લીધી હતી : હજુ પાંચ આરોપીની શોધખોળ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાનાં નાવીયાણી ગામે રૂા. 8 કરોડ 18 લાખથી વધુની છેતરપિંડીનો બનાવ બન્યો હતો. આ ઘટનાની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આઠ આરોપીમાંથી ત્રણ આરોપીને ઝડપી લઇ તપાસનો દોર શરૂ કર્યો છે. પકડાયેલા શખ્સોમાં સાણંદના મૌલેશ ગોહેલ, જુડા ગામના હિરૂભાઈ ઉર્ફે ધીરૂ મકવાણા અને રકનપુરનાં ગકુલભાઈ રબારીનો સમાવેશ થાય છે.
પાટડી તાલુકાનાં નાવીયાણા ગામની સીમની જમીન સર્વે નં 785 વાળી જમીન ફરિયાદી સાથે દલાલ રાજુભાઈએ ગોરાંગભાઈ નાથાલાલ પટેલ, કૌશિકભાઈ સક્કરચંદ પટેલ વતીથી રૂા. 8.40 કરોડમાં જમીન વેચાણ આપવા માટે સોદો થયો હતો, પરંતુ રૂા. 21,47,000 જંત્રી મુજબની રકમ ચુકવી બાકીની રકમ ગાડીમાં ત્રણ થેલામાં ૫ડી હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ સહી કરાવ્યા બાદ રૂા. 8,18,53000 નહીં ચુકવીને છેતરપીંડી કરવામાં આવતા અમદાવાદના ગૌરાંગભાઈ નાથાલાલ પટેલ, વિરમગામનાં કૌશીક સક્કરચંદ પટેલ, અમદાવાદનાં રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા, કડીના ફુલેગા ગામના અશ્વીન ચુંથાભાઈ રબારી, રકનપુર તા.કલોલનાં ગોકુલભાઈ ચુંડાભાઈ રબારી, સાણંદના મૌલેશભાઈ બેચરભાઈ ભરવાડ, જુડા તા. સાણંદના ધીરૂભાઈ ગોકાભાઈ ભરવાડ, લુણાસણ તા.કડીના અજય જીતેન્દ્રભાઈ શુક્લા વિગેરે સામે પાટડી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. ત્યાર બાદ તપાસકર્તા ધ્રાંગધ્રા સર્કલ પી.આઈની ટીમ અને પાટડી પોલીસની ટીમે સાણંદના મૌલેશ બેચરભાઈ ગોહેલ, જુડા ગામના હિરૂભાઈ ઉર્ફે ધીરૂભાઈ ગોકાભાઈ મકવાણા (ભરવાડ) અને રકનપુરનાં ગકુલભાઈ ચુંડાભાઈ રબારી નામના ત્રણ આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.