ચોટીલા-થાન રોડ પર હત્યા કેસમાં અઢી વર્ષથી ફરાર આરોપી પકડાયો
- ચાર આરોપીઓ અગાઉ ઝડપાયા હતા
- ફરાર થયા બાદ પોરબંદર જિલ્લામાં હત્યાની કોશીશ કરી હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર : ચોટીલા-થાન રોડ પર ફેબુ્રઆરી-૨૦૨૨માં વાસુકીદાદાના મંદિર સામે હત્યાનો બનાવ બન્યો હતો. જે મામલે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચોટીલા પોલીસે હત્યાના પાંચ આરોપીઓ પૈકી ચારને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક આરોપી હત્યા બાદ નાસતો ફરતો હતો. ફરાર આરોપીને વાડીએથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા-થાન રોડ પર આવેલા મંદિર સામે ઝીંઝુડા ગામના ધર્મેન્દ્રભાઈ શાંતુભાઈ ખાચરની પાંચ શખ્સો દ્વારા હત્યા કરાઈ હતી. જે મામલે ચોટીલા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે હત્યા નીપજાવનાર પાંચ શખ્સો પૈકી ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ત્યારે એક આરોપી જયેશભાઈ ઉર્ફે જસમતભાઈ ઉર્ફે જહો જાદવભાઈ ધોડકીયા (રહે.ખેરડી) હત્યા બાદ છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હતો.
જેથી ચોટીલા પોલીસ ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી ફરાર આરોપી જયેશભાઈ ઉર્ફે જસમતભાઈને ખેરડી ગામની સીમમાં આવેલી પોતાની માલીકીની વાડીએથી ઝડપી પાડયો હતો. જ્યારે હત્યાના બનાવ બાદ આરોપીએ પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ મથકની હદમાં હત્યાની કોશીશ કરી હોવાનું પણ સામે આવ્યું હતું. ચોટીલા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.