લટુડા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેને ઈજા
- અન્ય મુસાફરોનો આબાદ બચાવ
- સાળંગપુર-માંડવી રૂટની બસને અકસ્માત નડયો, પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર લટુડા ગામ પાસે ગત ગુરૂવારે મોડીરાત્રે એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવર સહિત એક મુસાફરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
સાળંગપુર-માંડવી રૂટની એસ.ટી.બસ મુસાફરો સાથે માંડવી તરફ જઈ રહી હતી. તે દરમિયાન સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર લટુડા ગામ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવર સાઈડના ભાગને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.
તેમજ બસના ચાલક અને એક મુસાફરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના બનાવને પગલે વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા.
બનાવની જાણ થતાં સ્થાનીક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાંથી પસાર થતા ટ્રક-ડમ્પર સહિતના ભારે વાહનો દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યાં છે, ત્યારે પોલીસ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.