પાટડીના નવરંગપુરા અને ઘાસપુર વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત
- કાર સાથે બાઈક અથડાતા મોત થયું, પત્ની ગંભીર, પૌત્રને સામાન્ય ઈજા
પાટડી, તા. 16 જાન્યુઆરી, 2021, શનિવાર
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે પાટડીથી વિરમગામ જતાં નવરંગપુરા અને ઘાસપુર વચ્ચે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું જે અંગે મૃતકના પરિવારજને કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના ઘાસપુર ગામે રહેતાં ભરતભાઈ નરશીભાઈ ઠાકોર ઉ.વ.૪૫ અને તેમના પત્ની રજંનબેન તથા પૌત્ર કાનો ત્રણેય બાઈક લઈને પીપળી ખાતે દર્શનાર્થે ગયા હતાં અને સાંજના સમયે પરત ઘરે ફરી રહ્યાં હતાં તે દરમ્યાન નવરંગપુરા અને ઘાસપુર વચ્ચે સામેથી પુરઝડપે આવી રહેલ કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક તથા પત્ની રોડ પર ફંગોડાયા હતા આથી વિરમગામ હોસ્પીટલ ખાતે ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બાઈકચાલક ભરતભાઈ ઠાકોરનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીની હાલત પણ ગંભીર હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ પૌત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જે અંગે મૃતકના પરિવારજન ભાવેશભાઈ ઠાકોરે પાટડી પોલીસ મથકે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.