મુળીમાં ડમ્પર પાછળ કાર ઘુસી જતાં અકસ્માતઃ એક ઇજાગ્રસ્ત
- બ્રેકને બદલે અક્સિલેટર દબાઇ જતાં અકસ્માત
- કારનો કાચ તુટી ચાલકની બાજુમાં બેઠેલા શખ્સની આંખમાં ઘુસી જતાં 70 ટાંકા આવ્યા
સુરેન્દ્રનગર : મુળી સરકારી હોસ્પિટલ પાસે આવેલા બમ્પ નજીક કારના ચાલકે બ્રેક લગાવવાના બદલે ભુલથી એક્સીલેટર દબાવી દેતા કાર ડમ્પર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલકની બાજુમાં બેસેલા વ્યક્તિને આંખમાં કારના કાચ ઘુસી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે મુળી પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
રતનપર વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઇ જશવંતરાય દવે રમેશભાઈ મકવાણાની કારમાં સુરેન્દ્રનગરથી ચોટીલા જઇ રહ્યાં હતાં. દરમિયાન મુળી સરકારી હોસ્પિટલ નજીક બમ્પ પાસે કારના ચાલક રમેશભાઈએ બ્રેક લગાવવા જતાં બ્રેકના બદલે એક્સીલેટર દબાઇ જતાં આગળ જતાં ડમ્પર પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાર્ગવભાઇને કારનો કાચ તુટી આંખમાં ઘુસી જતાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ભાર્ગવભાઇની આંખની કીકીમાંથી કાચ કાઢી ઓપરેશન કરી ૭૦ જેટલા ટાંકાલેવામાં આવ્યા હતાં. આ અકસ્માતના બનાવ મામલે ઇજાગ્રસ્ત ભાર્ગવભાઇના પત્ની ડિમ્પલબેને મુળી પોલીસ મથકે કારના ચાલક રમેશભાઈ મકવાણા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસની હાથ ધરી છે.