તમામ માંગો ના સ્વિકારાતા સફાઈ કર્મીઓની હડતાળ યથાવત્
- સુરેન્દ્રનગર- વઢવાણ પાલિકાના કામદારોનું આંદોલન
- કેટલાક સફાઇ કામદારોને કાયમી કરવા પાલિકાની સહમતી, તમામ કર્મચારીને લાભ આપવાની માગણી સાથે રજૂઆત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતા સફાઈ કામદારોએ હડતાળના બીજે દિવસે પાલિકા પ્રમુખને ગાંધી ચીંધ્યા માર્ગે ફુલ આપી તમામ પડતર માંગો પુરી કરવા જણાવ્યું હતું પરંતુ પાલિકા પ્રમુખ દ્વારા અમુક માંગો અંગે અસ્પષ્ટ જવાબો આપતા અંતે કોઈ નિરાકરણ ન આવતાં સફાઈ કામદારોમાં રોષ જોવા મળ્યો હતો અને હડતાળ યથાવત રાખી હતી.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતા ૩૦૦થી વધુ સફાઈ કર્મીઓને ૩ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી તેમજ અલગ-અલગ માંગો પણ પુરી કરવામાં આવી નથી. જે અંગે અનેક વખત રજૂઆતો બાદ પણ યોગ્ય ઉકેલ નહીં આવતા સફાઈ કામદારો પાલિકા કચેરી ખાતે હડતાળ પર બેઠા છે.
ત્યારે હડતાળના બીજે દિવસે પાલિકાના સત્તાધીશો દ્વારા અમુક કોન્ટ્રાક્ટ બેઈઝ કામદારોને કાયમી કરવા સહમતી દર્શાવી હતી અને હડતાળનો અંત આવે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ હડતાળ પર બેસેલા સફાઈ કામદારો અને આગેવાનો તમામ માંગો અંગે અડગ રહ્યાં હતાં અને અમુક કામદારોને બદલે તમામ સફાઈ કામદારોને કાયમી કરવાની તેમજ પાર્ટ ટાઈમ સફાઈ કામદારોને ફુલ ટાઈમ કરવા સહિતની માંગ કરી હતી.
પરંતુ પાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશો દ્વારા આ માંગો પુરી થઈ શકે તેમ નહિ હોવાનું જણાવતા સફાઈ કામદારોએ ફુલ આપી રજુઆત કરી હતી અને રજુઆતમાં જણાવેલ તમામ માંગો પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ શરૂ રાખવાની અને આ હડતાળમાં કાયમી સફાઈ કામદારો પણ સમર્થન આપી જોડાશે તેવી ચિમકી ઉચ્ચારતા સફાઈ કામદારોની હડતાળનો અંત આવવાને બદલે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.