સુરેન્દ્રનગર શહેરમાં આધારકાર્ડ અપડેટ, ઈ-કેવાયસીમાં અરજદારોને હાલાકી
- ઘણીવાર સર્વર ખોટકાતા ધરમનો ધક્કો ખાવાની નોબત
- ગણીગાંઠી જગ્યાએ કેન્દ્ર હોવાથી લાભાર્થીઓનો ધસારો, નવા કેન્દ્રો શરૃ કરવાની માગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગણીગાંઠી જગ્યાએ આધારકાર્ડ અપડેટ, ઈ-કેવાયસીની કામગીરીના કેન્દ્રો શરૃ હોવાથી લાભાર્થીઓને સવારથી લાંબી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે. જેને લઇ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ આધાર સેન્ટર ખોલવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
તાજેતરમાં સરકાર દ્વારા આગામી તા.૩૦ નવેમ્બર સુધીમાં દરેક રેશનકાર્ડધારકોને રેશનકાર્ડના ફરજિયાત કેવાયસી અપડેટ કરવાની જાહેરાત કરી છે. જેના ભાગરૃપે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે તેમજ આધારકાર્ડમાં અપડેટ કરાવવા માટે સવારથી લાંબી લાઈન જોવા મળી રહી છે. જેમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આવેલા સેવા સદન તેમજ ટાવર પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફીસમાં આ કામગીરી ચાલી રહી હોય સવારથી લાભાર્થીઓની ઈ-કેવાયસી તેમજ આધારકાર્ડ માટે ભીડ જોવા મળે છે.
શહેરી વિસ્તારમાં ગણીગાંઠી જગ્યાએ જ આધાર કેન્દ્ર હોવાથી લોકોને ઈ-કેવાયસી સહિતની કામગીરી માટે હાલાકી પડી રહી છે. નોકરી-ધંધો તેમજ ઘરકામ છોડી અરજદારોને લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ક્યારેક ધીમી ઈન્ટરનેટની સ્પીડથી લાભાર્થીઓને વધુ રાહ જોવી પડે છે, તો ક્યારેક સર્વર ખોટકાતાં સવારથી આધારકાર્ડની કામગીરી કરવા પહોંચેલા અરજદારોને ધક્કો પડે છેે. વધુ ભીડના કારણે એક દિવસમાં વારો પણ આવતો નથી અને ધરમનો ધક્કો ખાવો પડે છે. લાભાર્થીઓને હાલાકી ન પડે તે માટે શહેરમાં અન્ય જગ્યાએ પણ આધાર સેન્ટર શરૃ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.