વઢવાણમાં આધારકાર્ડની કામગીરી બે મહિનાથી બંધ : અરજદારોને ધરમધક્કા
- આધારકેન્દ્ર નિરાધાર બન્યા
- વઢવાણમાં મામલતદાર કચેરી અને આઇસીડીએસમાં કામગીરી ફરી શરૃ કરવા રજૂઆત
સુરેન્દ્રનગર : વઢવાણ મામલતદાર કચેરી તેમજ આઇસીડીએસ વિભાગમાં છેલ્લા બે માસ કરતા વધુ સમયથી આધારકાર્ડની તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવે છે. દુર દુરથી આધારની કામગીરી માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ ન હલતાં લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
વઢવાણ મામલતદાર કચેરી ખાતે લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ છે જેને લઇને વઢવાણ શહેર તેમજ વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા આધાર કાર્ડ સંબંધી તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવી છે. છેલ્લા બે માસ કરતા વધુ સમયથી આધારકાર્ડની કામગીરી બંધ હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આઇસીડીએસ વિભાગમાં પણ આધાર કાર્ડની કામગીરી બંધ છે જેને કારણે અરજદારોને આધારકાર્ડ કઢાવવા માટે અરજદારોને ફરજીયાત બેંકમાં અથવા પોસ્ટ ઓફીસમાં જવાની નોબત આવે છે. મુખ્ય બે સરકારી કચેરીમાં બે માસ કરતા વધુ સમયથી આધારકાર્ડની કામગીરી બંધ હોવા છતાં તંત્ર હજુ પણ સબ સલામતના ગાણા ગાઇ રહ્યું છે ત્યારે તંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ફોર્મ ફરજીયાત અંગ્રેજીમાં ભરવાની સુચનાથી દલાલોને બખ્ખા
નવુ આધાર કાર્ડ કઢાવવા કે જુના આધારકાર્ડમાં સુધારો કરાવવા માટેના ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનો આગ્રહ રાખવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા નિરક્ષર કે ઓછું ભણેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ફોર્મની વિગત અંગ્રેજીમાં ભરાવવા માટે ફરજીયાત દલાલો કે એજન્ટોનો આશરો લેવો પડે છે. આ દલાલો કે એજન્ટો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની મજબુરીનો લાભ લઈ ફોર્મ ભરવાના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે પણ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.