ખંપાળિયામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઇ
- અનૈતિક સંબંધનો કરૂણ અંજામ
- આડસંબંધ હોવાની શંકાના આધારે હત્યા કરી હોવાની ત્રણ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : મુળીના ખંપાળીયા ગામે વાડીમાં રહેતા યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. પરણિત યુવકને ગામમાં રહેતી પરીણિતા સાથે આડસંબંધ હોવાની શંકાના આધારે હત્યા નિપજાવી હોવાની મૃતકના ભાઈએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખંપાળીયા ગામની સીમમાં રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી ધીરૂભાઈ જીવણભાઈ બાવળીયા ગામમાં રબારી સમાજનો માતાજીનો માંડવો અને ડાક-ડમરૂનો પ્રોગ્રામ હતો, ત્યાં હાજર હતા. તે દરમિયાન સમાજના એક વ્યક્તિ દ્વારા મોબાઈલ પર ફોન કરી રાત્રીના સમયે વાડીએ બોલાવ્યા હતા અને ફરિયાદી અને અન્ય પરિવારજનોએ વાડીએ જઈ જોતા નાનાભાઈ મહેશભાઈ જીવણભાઈ બાવળીયાના માથામાંથી તેમજ હાથે અને પગે લોહી નીકળતું હોય લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે સારવાર અર્થે મુળી સરકારી હોસ્પીટલે લઈ ગયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક બેભાન થઈ ગયા હતા અને સુરેન્દ્રનગર હોસ્પીટલે લાવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા સમગ્ર બનાવ હત્યામાં પરિણામ્યો હતો. લાશને સુરેન્દ્રનગર મુખ્ય સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક મહેશભાઈ બાવળીયા (ઉં.વ.૩૨)ને ગામમાં જ રહેતા જેન્તીભાઈ ઉર્ફે ભુયડી ભાવુભાઈ બાવળીયાની પત્ની સાથે આડાસંબધ હોવાની શંકા રાખી જેન્તીભાઈ, પિતા ભાવુભાઈ અને કૌટુંમ્બી ગોપાલભાઈ સહિતનાઓએ મહેશભાઈને વાડીએ બોલાવી લોખંડના પાઈપ અને ધારીયાના ઘા ઝીંકી માથે અને હાથે-પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નીપજાવી હતી.
તેમજ બાઈકમાં પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડયું હતું. જે અંગે મુળી પોલીસ મથકે ત્રણ શખ્સો જેન્તીભાઈ ઉર્ફે ભુયડી ભાવુભાઈ બાવળીયા, ભાવુભાઈ મોહનભાઈ બાવળીયા અને ગોપાલભાઈ જગાભાઈ બાવળીયા (તમામ રહે.ખંપાળીયા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે પરણિત યુવકની હત્યાના બનાવથી પરિવારજનો પર આભ તુટી પડયું હતું અને પત્ની સહિત ત્રણ દીકરીઓ અને એક દીકરો નોંધારા બન્યા હતા.