પાટડીના ઘાસપુર-વરમોર રોડ પર ટ્રકની ટક્કર વાગતા યુવકનું મોત
- ટ્રક ચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને ટક્કર વાગી, બાઈક પાછળ બેઠેલો શખ્સ પણ ઘવાયો
પાટડી, તા. 22 જુલાઇ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે પાટડીના ઘાસપુરથી વરમોર તરફ જવાના રસ્તે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર બેસેલ શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું જે અંગે પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
પાટડીના ઘાસપુર ગામે રહેતાં શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોર ઉ.વ.૨૩ જેઓ સેન્ટીંગનું મજુરીકામ કરતાં હતાં અને વરમોર ગામ તરફ કામ ચાલતું હોય અન્ય એક શખ્સ સાથે સવારના સમયે બાઈક લઈને ઘાસપુરથી વરમોર તરફ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પાછળથી આવતાં ટ્રક ચાલકે સામે આવતાં વાહનને ઓવરટેક કરવા જતાં બાઈકચાલકને ટક્કર વાગતાં બાઈકચાલક અને શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોર રોડ પર પટકાયા હતાં અને ગંભીર ઈજાઓ પહોંચતાં દસાડા પીએસસી ખાતે લાવવામાં આવ્યાં હતાં. પરંતુ હાલત ગંભીર હોય વિરમગામ લઈ જવાતા રસ્તામાં તેઓનું મોત નીપજ્યું હતું અને પાટડી સરકારી હોસ્પીટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો હતો પરંતુ વરમોરની હદ માંડલ પોલીસ મથકમાં આવતી હોય માંડલ પોલીસને જાણ કરતાં મૃતકને પીએમ અર્થે વિરમગામ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યારે આ અંગે માંડલ પોલીસે ટ્રકને ઝડપી પાડી ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.