દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી વાદીપરાના યુવકનો આપઘાત
- આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
- પાલિકાની ફાયર ટીમે ચાર કલાકની જહેમત બાદ લાશને બહાર કાઢી
સુરેન્દ્રનગર : દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર એક યુવકે ઝંપલાવતા પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દુધરેજ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બપોરના સમયે શહેરી વિસ્તારમાં રહેતો એક યુવક ડુબ્યો હતો. જેની જાણ આસપાસના લોકો સહિત વાહનચાલકોને થતાં આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે પાલિકાની ટીમ કેનાલ પર આવી પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક શહેરના વાદીપરા વિસ્તારમાં રહેતા લાલભાઈ ગોકળભાઈ બામ્ભા (ઉં.વ.૨૭) હોવાનું બહાર આવ્યું હતું.