ધ્રાંગધ્રામાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત
- ટ્રાવેલ્સના ટાયર નીચે પગ આવી જતાં
- અકસ્માત સર્જી ફરાર થયેલા બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા કલ્પના ચોકડી નજીક બુધવારે રાત્રે ટ્રાવેલ્સ બસમાં બેસવા જતાં યુવકનો પગ બસના ટાયર નીચે આવી જતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર અને બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ફરાર બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામમાં રહેતા નરેશભાઇ ગંગારામભાઇ ચૌહાણ ધ્રાંગધ્રા કલ્પના ચોકડીથી ગાંધીધામ જવા માટે તા.૨૧ ફેબુ્રઆરીના રોજ રાત્રીના સમયે બસની રાહ જોઇ રહ્યા હતા. તે દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સ અવતા નરેશભાઇએ બસમાં બેસવા માટે પ્રયાસ કર્યો હતો.
દરમિયાન ટ્રાવેલ્સના ચાલકે તેમને બસમાં બેસાડવાનીના પાડી બસ પુરઝડપે ચલાવતા નરેશભાઇનો પગ ટ્રાવેલ્સના પાછળના ટાયરમાં આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન નરેશભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રાવેલ્સનો ચાલક અકસ્માત સર્જીને નાસી છુટયો હતો. આ અકસ્માત અંગે મૃતકના પિતા ગંગારામભાઇએ ટ્રાવેલ્સના ચાલક વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.