લખતરમાં પાનનો ગલ્લો રાખવા બાબતે યુવક પર છરી વડે હુમલો
- ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- સોનાની વીંટી, રોકડ રકમની લૂંટ ચલાવી : જાનથી મારી નાખવાની ધમકી આપી
સુરેન્દ્રનગર : લખતર શહેરી વિસ્તારમાં પાનનો ગલ્લો ઉપાડી લેવા બાબતે એક યુવકને તિક્ષ્ણ હથિયારો વડે માર મારી રોકડ અને સોનાના દાગીનાની લૂંટ કરી હતી.તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની લખતર પોલીસ મથક ે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
લખતર ખાતે આવેલા ઢવાણીયા દાદાની દેરી પાસે પાનનો ગલ્લો ધરાવતા ફરિયાદી નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ.૩૩) પાનના ગલ્લા પાસે મિત્રની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા ત્રણ શખ્સોએ આવી ફરિયાદીને અપશબ્દો બોલી પાનનો ગલ્લો ઉપાડી લેવાની તેમજ નહિં ઉપાડે તો ગલ્લો સળગાવી દેશે અને ગલ્લો રાખવો હોય તો રોકડ રકમની માંગ કરી હતી.
જે આપવાનો ફરિયાદીએ ઈન્કાર કરતા ત્રણેય શખ્સોએ ફરિયાદીને લોખંડના પાઈપ, છરી વડે આડેધડ માર મારી જમીન પર ઢસડયો હતો અને આંગળીમાં પહેરેલી સોનાની વીટી તેમજ ખીસ્સામાં રહેલા રોકડ રૂા.૨,૫૦૦ની લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતાં.
જે અંગે લખતર પોલીસે મયુરભાઈ પ્રવિણભાઈ સોલંકી, અમીતભાઈ પ્રવિણભાઈ સોલંકી અને પ્રવિણભાઈ મગનભાઈ સોલંકી (તમામ રહે.લખતર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.