સોલડીના યુવકે પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો
- સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરાઈ
- 20 થી વધુ વ્યક્તિઓ પાસેથી 30 ટકા સુધીના વ્યાજે નાણાં ઉછીના લીધા હતા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા એક યુવકે ગામની સીમમાં આવેલી વાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યું હોવાની ચીઠ્ઠી પોલીસને મળી આવતા, તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સોલડી ગામે રહેતા રાકેશ હિંમતભાઈ પટેલને રૂપિયાની જરૂરીયાત હોય સોલડી તેમજ ધ્રાંગધ્રા ગામના ૨૦થી વધુ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉંચા વ્યાજે અલગ-અલગ રકમ લીધી હતી. જે રકમ યુવકે પરત આપી દીધી હોવા છતાં વ્યાજખોરો યુવકે આપેલા ચેક પરત આપતા નહોતા. તેમજ અવાર-નવાર યુવક અને પરિવારજનોને શારીરિક અને માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા.
જેમાં વ્યાજખોરો પાસેથી ૩ ટકાથી લઈ ૩૦ ટકા સુધીના વ્યાજે યુવકે રૂપિયા લીધા હતા અને મુળ રકમ કરતા અનેકગણું વ્યાજ પણ ચુકવી દીધું હોવા છતાં વ્યાજખોરો માનસીક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ ચીઠ્ઠીમાં કરવામાં આવ્યો છે.
જેથી વ્યાજખોરોના માનસીક ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ચીઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ યુવક ધ્રાંગધ્રા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. ત્યારે તેણે કુલ કેટલી રકમ કોની પાસેથી કેટલા ટકા વ્યાજે લીધી છે, તે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે યુવક પાસેથી મળી આવેલી ચીઠ્ઠીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.