નવલગઢ પાસેની કેનાલમાં યુવક બાઈક સાથે ખાબક્યો
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
- બે દિવસથી પાલિકાની ફાયટર ટીમની શોધખોળમાં બાઈક મળ્યું પરંતુ યુવક લાપતા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં આકસ્મિક રીતે બાઈક સાથે યુવક રાતના સમયે ડુબ્યો હતો. જેની પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બીજે દિવસ સાંજ સુધી શોધખોળ શરૂ રાખવામાં આવી હતી છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો.
નવલગઢ ગામે રહેતો જીગર મકવાણા રાત્રીના સમયે ખેતરેથી કેનાલના રસ્તે ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન નવલગઢ ગામ પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચની કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો હતો.
જે અંગેની જાણ આસપાસના લોકો સહિત વાહનચાલકોએ ધ્રાંગધ્રા પાલિકાની ફાયર ફાયટર ટીમને કરવામાં આવતાં ટીમ અને તરવૈયાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ડુબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં રાત્રીના સમયે જ કેનાલમાંથી યુવકનું બાઈક મળી આવ્યું હતું પરંતુ ડુબી ગયેલા યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો.
મોડીરાત સુધી શોધખોળ શરૂ રાખવામાં આવી હતી પણ અંધારાના કારણે કામગીરીમાં વિલંબ થતા ફરી બીજે દિવસે સવારથી શોધખોળ કરવામાં આવી હતી છતાં યુવકનો પતો લાગ્યો નહતો. જ્યારે આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.