ચુડાના ભાણેજડા ગામની સીમમાં વીજળી પડતા એક યુવાનનું મોત
- ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી
- કમોસમી વરસાદમાં ત્રણ ભેંસ, એક ગાય સહિત ચાર પશુઓના પણ વીજળી પડવાથી મોત થયા
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જીલ્લાના અમુક તાલુકાઓમાં કમૌસમી વરસાદે તારાજી પણ સર્જી હતી. જેમાં ચુડા તાલુકાના એક ગામમાં વિજળી પડતાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. તેમજ ચાર જેટલા પશુઓનું પણ વિજળી પડવાથી મોત નીપજતા પશુપાલકોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કમૌસમી વરસાદની આગામી તા.૨૮ નવેમ્બર સુધી આગાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ આગાહીના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ચુડા તાલુકામાં ગાજવીજ અને કડાકા સાથે કમૌસમી વરસાદ પડયો હતો.
ચુડાના ભાણેજડા ગામની સીમમાં સવારના સમયે પશુપાલક યુવક કુલદિપભાઈ ભાંભરા પશુઓ લઈને ચરાવા માટે ગયા હતા.
તે દરમિયાન અચાનક ગામની સીમમાં આવેલ ખેતરમાં વિજળી પડતા પશુપાલક યુવક કુલદિપભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સીમમાં ચરી રહેલ ત્રણ ભેંસ અને એક ગાયનું પણ વિજળી પડવાથી મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં યુવકના પરિવારજનો, સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તંત્રના અધિકારીઓને જાણ કરી હતી. જ્યારે વિજળી પડવાથી યુવક સહિત પશુઓના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.