Get The App

બરડા ડુંગરનાં જંગલ વિસ્તારમાં ટ્રેક્ટર પલ્ટી જતાં યુવાનનું મોત

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
બરડા ડુંગરનાં જંગલ વિસ્તારમાં ટ્રેક્ટર પલ્ટી જતાં યુવાનનું મોત 1 - image


વન વિભાગની કામગીરી સમયે અકસ્માત

ધોરીવાવ નેશ તરફનાં રસ્તે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયા બાદ દમ તોડયો

પોરબંદર: બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં ટ્રેક્ટર પલટી જતા યુવાનનું મોત નીપજ્યું છે. તેને સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો, પરંતુ દમ તોડી દેતા અરેરાટી ફેલાઈ છે.

અમરદળ ગામે ખરાવાડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ હાજાભાઈ પાથર (ઉ.વ.૩૮) ટ્રેક્ટર લઈને બરડા ડુંગર વિસ્તારમાં ફોરેસ્ટના કામ માટે જતા હતા અને મેલડી માતાજીના મંદિરથી ધોરીવાવ નેસ તરફના જંગલવાળા રસ્તેથી ટ્રેક્ટર લઈને નીકળ્યા ત્યારે કોઈ કારણોસર ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, આથી માથાના ભાગે તેમને ગંભીર ઈજા થઇ હતી, તેથી ફોરેસ્ટના જ વાહનમાં તેમને મેલડી માતાજીના મંદિર પાસે લાવવામાં આવ્યા હતા. ત્યાંથી ઈમરજન્સી સેવા ૧૦૮ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, અને ત્યાંથી તબિયત ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પીટલે લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન થોડા સમયમાં જ ભરતભાઈ પાથરનું મોત નીપજ્યું હતું.

જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભરતને સંતાનમાં બાર વર્ષનો પુત્ર મૌલિક અને સતર વર્ષની પુત્રી ક્રિષ્ના છે જે બન્ને અભ્યાસ કરે છે. આ બન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તે ઉપરાંત વયોવૃદ્ધ માતા-પિતા રંભીબેન અને હાજાભાઈએ યુવાન પુત્રને વાહન અકસ્માતે ગુમાવતા ભારે અરેરાટી ફેલાઈ છે.



Google NewsGoogle News