સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાસે ટેન્કરની અડફેટે યુવકનું મોત
- અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર
- કટુડાનો યુવક બાઈક લઈને પુલ પાસે ઉભો હતો, ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાસે આવેલા પુલ પાસે બાઇક લઇને ઉભેલા યુવાનને ટેન્કર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છુટયો હતો. આ અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કટુડા ગામે રહેતા શક્તિસિંહ પ્રવિણસિંહ ઝાલા સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવી ગુરૂવારે રાત્રીના સમયે ઘર તરફ જઇ રહ્યા હતા, ત્યારે ટીબી હોસ્પિટલના ગેટ પાસે ફ્રુટની લારી પાસે બાઇક લઇ ઉભા હતા.
તે દરમિયાન પાછળથી આવતા ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે ટેન્કર ચલાવી બાઇકને ટક્કર મારતા શક્તિસિંહ ફંગોળાઇને રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે ટેન્કર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા પ્રવિણસિંહે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.