જાંબુડિયા નજીક બાઈક ટ્રકના જોટામાં આવી જતાં કચડાઈ જવાથી યુવાનનું મોત
- મોરબી પંથકમાં 3 વાહન અકસ્માતમાં 3 નાં મોત
- વાંકાનેરમાં ટ્રકે વળાંક લેતાં રોડ ક્રોસ કરતા પ્રૌઢ હડફેટે ચડી જતા મોતઃ માળિયા 3 રસ્તા બ્રિજ પાસે વાહનની ઠોકરે રાહદારીનું મોત
મોરબી : મોરબી પંથકમાં વાહન અકસ્માતના ૩ બનાવમાં ૩ ના મોત થયા હતાં. મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ પર પુરઝડપે જતા ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું. અને બાઈક સહીત યુવાન ટ્રકના ટાયરના જોટામાં આવી જતા યુવાન કચડાઈ જતા કરુણ મોત થયું હતું. માળિયા ત્રણ રસ્તા બ્રીજ પાસે ૩૫ વર્ષીય યુવાન રોડ પર ચાલીને જતો હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે યુવાનને હડફેટે લેતા ઈજા પહોંચતા યુવાનનું મોત નીપજયું હતું. વાંકાનેરની નર્સરી ચોકડી પાસે ટ્રક ચાલક ટ્રકને વણાંક લેતો હોય ત્યારે રોડ ક્રોસ કરતા આધેડ ઠોકરે ચડી ગયા હતાં અને ટ્રક નીચે કચડાઈ જતા આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું.
મોરબીના ્રેમજીનગર મકનસર ગામના રહેવાસી કલ્પેશભાઈ બાબુભાઈ પીપળીયાએ ટ્રક જીજે ૦૩ એડબલ્યુ ૪૧૬૬ ના ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીના ભાઈ મહેશભાઈ બાબુભાઈ પીપળીયા ઉ.વ.૨૨ પોતાનું બાઈક લઈને મોરબીથી પ્રેમજીનગર આવવા નીકળ્યો હતો. ત્યારે જાંબુડિયા પાસે સર્વિસ રોડ પર ટ્રકના ચાલકે ટ્રક બેફિકરાઈથથી ચલાવી ફરિયાદીના ભાઈ મહેશભાઈને તેના બાઈક સહીત હડફેટે લેતા મહેશ ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે. મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છના અંજાર તાલુકાના મથડા ગામના રહેવાસી ગુલામશા બુઢમશા સૈયદ (ઉ.વ.૩૮) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના ભાઈ અનવરશા સૈયદ (ઉ.વ.૩૫) માળિયા ત્રણ રસ્તા પુલ પર ચાલીને જતો હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે તોકર મારતા ભાઈનું મોત થયું હતું. તો અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. વાંકાનેરના મોટા ભોજપરા ગામના રહેવાસી શાંતુબેન રાજેશભાઈ ચાવડા (ઉ.વ.૪૩) નામની મહિલાએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું ફરિયાદી મહિલા કારખાનામાં મજુરી કામે ગયા હતાં. અને મહિલાના પતિ રાજેશભાઈ મુળજીભાઈ ચાવડા વાંકાનેર મોચી કામે ગયા હતાં. ત્યારે નર્સરી ચોકડી ઉતરીને રાજેશભાઈ મુળજીભાઈ ચાવડા દ્વારકાધીશ હોટેલ તરફ રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે વાંકાનેરથી લુણસર તરફ જતા ટ્રક ચાલકે અચાનક ટર્ન લેતા ખાલી સાઈડના ટાયરમાં આવી જતા દબાઈ જતા ઈજા પોહંચી હતી. જે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મુકી નાસી ગયો હતો. રાજેશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જયાં સારવાર દરમિયાન મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.