થાનમાં ખંડણીખોરોનો ત્રાસ બંધ કરાવવા પોલીસને લેખિત રજૂઆત
- સિરામિક એસોસિએશને કાર્યવાહીની માગ કરી
સુરેન્દ્રનગર : થાનમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર સિરામિક ઉદ્યોગકારો પાસે ખંડણી માંગવાના બનાવો બનતા હોવાના આક્ષેપ સાથે ખંડણીખોરોનો ત્રાસ કાયમ માટે બંધ થાય તેવી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા પોલીસ મથકે લેખીત રજૂઆત કરવામાં આવી હતી.
થાનમાં થોડા દિવસો અગાઉ બે શખ્સો દ્વારા સિરામિક ઉદ્યોગકાર ખંડણી માંગી બે શખ્સો દ્વારા સિરામિક એકમના ચોકીદાર તેમજ તેના માલિકને ધમકી આપી હોવાની થાન પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
ત્યારે થાનમાં સિરામિક ઉધોગકારો પાસે અવારનવાર ખંડણી માંગવાના બનાવના વિરોધમાં પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા થાન પોલીસ મથકે લેખીત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, થાન શહેરમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજિક તત્વો દ્વારા સિરામિક એકમોમાં તોડફોડ કરી દાદાગીરી કરી છે.ખંડણીખોરનો ત્રાસ કાયમી ધોરણે બંધ કરવા આવા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.