સડલા ગામની મહિલાએ આત્મવિલોપન કરવાની ચિમકી સાથે વીડિયો વાયરલ કર્યો
- તંત્રને અનેક રજૂઆત છતાં ઉકેલ ના આવતા
- પંચાયતની પાણીની લાઈન લીકેજ હોવાથી ઘરને નુક્સાન પહોંચ્યું હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના સડલા ગામની મહિલાના ઘર પાસે પાણીની લાઈન લીકેજ થવાથી નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે મહિલાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.
આ અંગે વાયરલ વીડિયોમાં જણાઈ આવ્યા મુજબ, સડલા ગામે રહેતા હંસાબેન પ્રજાપતિના રહેણાંક મકાન પાસે છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતની પાણીની લાઈન લીકેજ હોવાથી તેણીના ઘરમાં પાણી ફરી વળતા મકાન સહિત દિવાલોને મોટાપાયે નુકશાન પહોંચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમજ આ અંગે અવાર-નવાર ગામના સરપંચ સહિત જવાબદાર તંત્રના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં કંટાળી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો અને સ્થાનિક તંત્ર સહિત ગ્રામ પંચાયત સામે રોષ દાખવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
સોશિયલ મીડિયામાં મહિલાનો આત્મવિલોપન અંગેનો વીડિયો વાયરલ થતાં વહિવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયતના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.