હળવદ પાસે પાણીના ટેન્કરની ટક્કરે દિવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત
- નવા બનતા ગોડાઉનની દિવાલ પાસે સૂતેલા સાત મજૂરોનો બચાવ
- ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણી ભરાતું ટેન્કર પાછુ પડીને દિવાલ સાથે અથડાયું
હળવદ : હળવદ ધાંગધ્રા બાયપાસ હાઈવે પર પાણી ભરી રહેલ ટેન્કર રિવર્સ ખસી જતા દીવાલ સાથે ટકરાતા ગોડાઉનના શેડમાં સુતેલી મહિલાને કચડી હતી. જયારે તેની સાથે રહેલા અન્ય ૭ લોકોનો આબાદ બચાવ થયો હતો. ગુરૂવારે મોડી રાતે આ દુર્ઘટના સર્જાઇ હતી.
મળતી માહિતી અનુસાર, હળવદ ધાંગધ્રા બાયપાસ હાઈવે પર શોરૂમ પાસે ટેન્કર પાણી ભરી રહ્યું હતું. ત્યારે તેનું વજન અચાનક ઓવરલોડ થઈ જતાં ટેન્કર રિવર્સ ખસતા ગોડાઉનની દીવાલ સાથે ટકરાતા દિવાલ ધરાશયી થઈ ગઈ હતી. જેનાં કારણે ગોડાઉનના શેડમાં સુતેલા આઠ લોકોમાંથી સાત વ્યકિતઓનો આકસ્મિક બચાવ થયો હતો. જ્યારે એક મહિલાનું મોત નિપજયું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, પાણી ભરી રહેલા ટેન્કરની ઉપર ડ્રાઇવર સુતો હતો તેવામાં ઓવરલોડ થઈ જતા ટેન્કર રિવર્સ ખસી જતા દીવાલ સાથે ટકરાયાની જાણ થતાં જ ડ્રાઈવર ટેન્કર મુકીને નાસી છૂટયો હતો.