દેવસરમાં પ્લાન્ટના ચોકીદાર અને કર્મચારીને માર માર્યો
- પિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો દાખલ
- પ્લાન્ટ માલિક સાથેના ઝઘડાનું મનદુઃખ રાખીને હુમલો કર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના દેવસર ગામે આવેલા પ્લાન્ટના માલિક સાથે થયેલા ઝઘડાના મનદુઃખ બાબતે દેવસર ગામના જ ૩ શખ્સોએ પ્લાન્ટના ચોકીદાર તેમજ અન્ય એક કર્મચારીને માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ચોટીલાના તાલુકાના હિરાસર ગામે રહેતા હરેશભાઇ રાઘાભાઇ શીયાળીયા દેવસર ગામે આવેલા પ્લાન્ટમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન દેવસર ગામના જ રામાભાઇ સુરાભાઇ તથા નાગજીભાઇ ગોવિંદભાઇ મેસરીયાનો નાનો દિકરો અને એક અજાણ્યો શખ્સ પ્લાન્ટ પર આવ્યા હતાં અને તું અંહી પ્લાન્ટે શા માટે આવે છે અંહી તારે નહીં આવવાનું તેમ કહી ત્રણેય શખ્સો હરેશભાઇને અપશબ્દો બોલી ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
તેમજ આજે તો જવા દઇએ છીએ ફરીવાર આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. હરેશભાઇએ આ અંગે પ્લાન્ટમાં જ કામ કરતા અન્ય કર્મચારી હરદાસભાઇ માલદે કેસવાલાને જાણ કરતાં હરદાસભાઇએ હરેશભાઇને દેવસર ગામે બોલાવ્યા હતા. જ્યાં હરદાસભાઇ અને હરેશભાઇ ઉભા હતા.
તે દરમિયાન અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો અને હરદાસભાઇને અપશબ્દો બોલી માર મારતા ઇજાગ્રસ્ત હરદાસભાઇને સારવાર માટે પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.
આ બનાવમાં પ્લાન્ટના માલિક ખીમાભાઇ ભીમાભાઇ સીસોદીયાને અગાઉ દેવસર ગામના જ નાગજીભાઇ ગોવિંદભાઇ મેસરીયા સાથે ઝઘડો થયો હોય તેનું મનદુઃખ રાખી ત્રણેય શખ્સોએ ચોકીદાર હરેશભાઇ તેમજ અન્ય કર્મચારીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.