લખતર ગ્રામ પંચાયત પાસે ખાતર ભરેલી ટ્રક રસ્તામાં ખૂંપી
- વારંવારની રજૂઆત છતાં સમારકામ નહીં
- મોની પાણીની લાઈન લીકેજ થવાથી રસ્તા પર વાહનો ફસાતા રોષ
સુરેન્દ્રનગર : લખતર ખાતે અવાર-નવાર પાણીની લાઈનો લીકેજ થવાથી પાણીનો બગાડ થતો હોવાની ફરિયાદો ઉઠે છે. તેમજ આસપાસ રોડ પર પણ પાણી ફરી વળતા વાહનો ફસાઈ જવાના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે બજરંગપુરા રોડ પર ખાતર ભરેલી ટ્રક ફસાઈ જતાં અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
લખતર ગ્રામ પંચાયત નજીક છેલ્લા ઘણા સમયથી વાસ્મો યોજનાની નખાયેલી પાણીની લાઈન લીકેજ હાલતમાં હોવાથી પાણીનો બગાડ થઈ રહયો છે. તેમજ રોડની આસપાસ પાણી પાણી જોવા મળી રહ્યું છે. પાણી લાઈન લીકેજ હોવાના કારણે જમીન પણ પોચી થઈ જતાં રોડ ઉપર પસાર થતાં નાના મોટા વાહનો અનેકવાર ફસાઈ જાય છે.
ત્યારે વણા અને બજરંગપુરા જવાના રોડ ઉપર બુધવારે સવારે ખાતર ભરેલી આઇસર ટ્રક ફસાઈ જતા રોડ ઉપર પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાણીની પાઈપલાઈનના સમારકામ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામા આવતા નથી.
ત્યારે વાસ્મો દ્વારા તાત્કાલિક વારંવાર થતી આ લીકેજ પાણીની લાઈનને યોગ્ય રીતે રીપેરિંગ કરવામાં આવે તેવી રાહદારીઓ તેમજ વાહન ચાલકોની માગણી છે.