જોરાવરનગરમાં મકાન માલિકની હત્યા કરનાર ભાડૂઆતને આજીવન કેદ
- વર્ષ 2022 માં હત્યા કરી હતી
- દંપતી પર છરી વડે હુમલો કરતા પત્નીનું મોત નિપજ્યું હતું
સુરેન્દ્રનગર : જોરાવરનગર શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં મકાન ખાલી કરાવવા બાબતે એક શખ્સ દ્વારા મકાન માલીક દંપતિ પર છરી વડે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું. જે અંગેનો કેસ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં તાજેતરમાં ચાલી જતા જજ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો છે.
જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા હર્ષિલભાઈ પરમારે પોતાની માલીકીનું મકાન અનિલભાઈ કુબેરભાઈ ચૌહાણને ભાડે આપ્યું હતું. જે મામલે અવાર-નવાર મકાન ખાલી કરાવવા બાબતે અનિલભાઈ સાથે બોલાચાલી થતી હતી.
જેમાં વર્ષ ૨૦૨૨માં ઝઘડો થતા રોષે ભરાયેલા ભાડુઆત અનિલભાઈએ છરીવડે મકાન માલીક હર્ષિલભાઈ અને તેમના પત્ની જયોતિબેન પરમાર પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત જ્યોતીબેનનંિ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઈજાઓ પહોંચી હતી.
જે અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો અને કોર્ટમા કેસ દાખલ થયો હતો. જે તાજેતરમાં ચલી જતા સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓના આધારે સેશન્સ જજ એલ.એસ.પીરજાદાએ આરોપી અનિલભાઈ ચૌહાણને દોષીત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.