Get The App

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દસાડા-શંખેશ્વર હાઈવે પરથી જુગારધામ ઝડપી પાડયું

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દસાડા-શંખેશ્વર હાઈવે પરથી જુગારધામ ઝડપી પાડયું 1 - image


- વડગામ તરફ જવાના રસ્તે જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

- રોકડ, મોબાઈલ, વાહનો સહિત કુલ રૃા. 4.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- જુગારધામનો મુખ્ય આરોપી ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલાના બનાવમાં સામેલ હતો

- સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસએમસી દ્વારા રેઈડ કરતા પોલીસની કામગીરી સામે ચર્ચાઓ

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ જુગારધામ ચાલતા હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ.એમ.સી.)ની ટીમે બાતમીના આધારે દસાડા તાલુકામાંથી જાહેરમાં જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસાડાથી શંખેશ્વર તરફ જતા વડગામ ગામ તરફ જવાના કાચા રસ્તે ખુલ્લી જગ્યામાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ કરી હતી જેમાં જુગાર રમતા ૧૦ શખ્સો (૧) રાજદિપસિંહ ભાથીજી ઝાલા, રહે.ઝીંઝુવાડા (મુખ્ય આરોપી) (૨) રવિ મહેન્દ્રકુમાર ગજ્જર, રહે.ઘાટલોડીયા, અમદાવાદ (૩) જેઠાભાઈ જુહાભાઈ રાઠોડ, રહે.વડગામ તા.પાટડી (૪) જીગરસિંહ ઉર્ફે જીગો વનરાજસિંહ ઝાલા, રહે.ઝીંઝુવાડા તા.પાટડી (૫) રસીકભાઈ વિરમભાઈ રાઠોડ, રહે.વડગામ તા.પાટડી (૬) વિશાલભાઈ ભરતભાઈ ઓડ, રહે.વડગામ તા.પાટડી (૭) સંજયકુમાર પ્રભુભાઈ ઓડ, રહે.વાલેવડા તા.પાટડી (૮) વિનોદભાઈ ગગાભાઈ ઠાકોર, રહે.વડગામ તા.પાટડી (૯) રસીકભાઈ ગાંડાભાઈ ઠાકોર, રહે.વડગામ તા.પાટડી અને (૧૦) મનુભાઈ બાબાભાઈ રાઠોડ, રહે.વડગામ તા.પાટડીવાળાને રોકડ રૃા.૧,૪૧,૪૬૦, ૧૦ મોબાઈલ કિંમત રૃા.૫૩,૦૦૦, એક કાર બે બાઈક કિંમત રૃા.૨,૮૫,૦૦૦ સહિત કુલ રૃા.૪,૭૯,૭૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે મોબાઈલના માલીકો હાજર મળી આવ્યા નહોતા તમામ શખ્સો સહિત મુદ્દામાલ કબ્જે કરી દસાડા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનીક પોલીસે કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. જ્યારે બીજી બાજુ એસ.એમ.સી.ની ટીમે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રેઈડ કરતા સ્થાનીક પોલીસને પણ ક્યાંકને ક્યાંક મીલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઝડપાયેલ મુખ્ય આરોપીએ ગત જાન્યુઆરી મહિનામાં ઝીંઝુવાડા પીએસઆઈ પર જીવલેણ હુમલો કર્યો હતો

એસ.એમ.સી. દ્વારા જુગારની રેઈડમાં ઝડપાયેલ મુખ્ય આરોપી રાજદિપસિંહ ભાથીજી ઝાલા સહિતના અંદાજે ૪૦થી વધુ શખ્સોએ ગત તા.૦૫ જાન્યુઆરીના રોજ ઝીંઝુવાડા પીએસઆઈ કે.વી.ડાંગર સહિતના સ્ટાફ પર છરી લાકડાના ધોકા, લોખંડના પાઈપ સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી રોકડ રકમની લુંટ પણ ચલાવી હતી જે મામલે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ઝીંઝુવાડા પીએસઆઈ અને સ્ટાફ પર હુમલાનો આરોપી બિન્દાસ ફરતો હોવા છતાં સ્થાનીક પોલીસે ઝડપી ન પાડયો

ઝીંઝુવાડા પીએસઆઈ સહિતના સ્ટાફ પર જીવલેણ હુમલાનો બનાવ જાન્યુઆરી મહિનામા બન્યો હતો અને તે સમયે ફરિયાદ પણ નોંધાઈ હતી છતાં આ બનાવનો એક આરોપી ખુલ્લેઆમ જુગારધામ ચલાવતો હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનીક પોલીસની પણ ભુમીકા શંકાસ્પદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



Google NewsGoogle News