બગોદરા હાઈવે પરથી 48.34 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
થર્ટી ફર્સ્ટ પહેલાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ટેન્કરના બોક્સમાંથી ૨૧,૦૮૪ બોટલ દારૂ સહિત ૭૩.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ ડ્રાઈવર- ક્લિનરની ધરપકડ
બગોદરા: બગોદરા હાઈવે પરથી રૂ.૪૮.૩૪ લાખનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી લઈને દારૂ મોકલનારા સહિતનાઓ સામે ગુનો નોંધી રૂ.૭૩.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલા ઈન્ડિયન ઓઈલ એલપીજી ગેસ લખેલા ટેન્કરને ઉભું રખાવી તેની તલાશી લીધી હતી. જેમાં ટેન્કરમાં બોક્સમાં વિદેશી દારૂ ભરીને લઈ જવાતું હોવાનું ખુલ્યું હતું.
પોલીસે ટેન્કરની અંદરથી વિદેશી દારૂની ૨૧,૦૮૪ બોટલ ઝડપી પાડી હતી. આ અંગે ટેન્કર ચાલક અને ક્લિનરની પૂછપરછ કરતા ડ્રાઈવર કવરારામ ચુનારામ જાટ (રહે. નીંબલકોટ, રાજથાન) અને ક્લીનર બાલારામ લાલરામ કસનીયા (રહે. સાજટા, રાજ્સ્થાન) હોવાનું તથા દારૂનો જથ્થો વોન્ટેડ અનીલ ઉર્ફે દેવારામ પંડયા (રહે. કોટન ચોહરા, રાજસ્થાન), જયદીપસિંગ, પવનસિંગ, ટિલ્લું ઠેકેદારે દારૂ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે રૂ.૪૮,૩૩,૬૦૦ની કિંમતનો દારૂનો જથ્થો, ટેન્કર, ત્રણ મોબાઈલ અને રોકડ રૂ.૪,૫૦૦ મળી કુલ રૂ.૭૩,૫૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.