Get The App

ડોળિયા પાસે જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર ખાડામાં ખાબક્યું

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
ડોળિયા પાસે જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર ખાડામાં ખાબક્યું 1 - image


- 18 કલાકની જહેમત બાદ ખાડામાંથી ટેન્કર કાઢ્યું

- લીકેજના લીધે આગ ભભૂકી, ફાયર ટીમની સમયસુચક્તાથી જાનહાની ટળી 

સુરેન્દ્રનગર : ડોળિયા-સાયલા હાઈવે પર ડોળિયા નજીક જ્વલનશીલ કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતાં ટેન્કરમાંથી કેમિકલ લીક થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરતાં સુરેન્દ્રનગર ફાયરની ટીમે ૧૮ કલાકની જહેમત બાદ ટેન્કરને સહીસલામત બહાર કાઢ્યું હતું. સદેનસીબે મોટી જાનહાની ટળી હતી.

કંડલાથી ટોલ્યુન નામનુ અતિ જ્વલનશીલ કેમિકલ ભરેલુ ટેન્કર અમદાવાદ તરફ જઇ રહ્યું હતુ. તે દરમિયાન ડોળિયા-સાયલા હાઇવે પર ડોળિયા નજીક ટેન્કર પલટી ખાઇ રસ્તાની સાઇડમાં ખાબક્યું હતું. અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલ લીકેજ થતાં આસપાસનાં વિસ્તારમાં રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. 

કેમિકલ અતિ જ્વલનશીલ હોવાથી ગમે ત્યારે આગ લાગતા મોટી દુર્ઘટના બને તેવી શક્યતાઓ હોય તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સૌપ્રથમ ટેન્કરમાંથી લીકેજ બંધ કરી તેને રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

 જો કે ફાયરની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાર બાદ અંદાજે ૧૮ કલાકની ભારે જહેમત બાદ ૩ હાઇડ્રોલિક ક્રેઇનની મદદથી રસ્તાની સાઇડમાં ખાબકેલા ટેન્કરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. ફાયર વિભાગની સમયસુચકતાના કારણે મોટી જાનહાની ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.


Google NewsGoogle News